વણાકબોરી ડેમ ઓવરફ્લો થતા મહીસાગર નદીમાં પાણી છોડાયું
- ડેમમાં પાણીની સપાટી 226.25ના સ્તરે પહોંચી : કાંઠાના વિસ્તારોને સાવચેત કરાયા
નડિયાદ : ખેડા જિલ્લામાં બે દિવસના સતત વરસાદને પગલે વણાકબોરી ડેમ ઓવરફલો થયો છે. ડેમમાંથી ૩૮૦૦૦ ક્યુસેક જેટવું પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવતા નદીએ રોદ્ર રૃપ ધારણ કર્યું છે. ગુરુવારે જોકે બે દિવસ પછી વરસાદે બ્રેક લીધો હતો અને જિલ્લામાં કેટલાક સ્થળે ઝરમર સિવાય ક્યાંય ખાસ વરસાદ નોંધાયો નહોતો.
ડેમ ૬.૨૫ ફૂટ ઓવરફ્લો થયો છે. આ કારણે ડેમની સપાટી ૨૨૬.૨૫ સુધી પહોંચી છે. ડેમમાં ૩૯,૦૦૦ ક્યુસેક પાણીની આાવક થઈ છે. આશરે ૩૮,૦૦૦ ક્યુસેક જેટલું પાણી મહીસાગર નદીમાં છોડાવવામાં આવી રહ્યું છે.ધોધમાર વરસાદ અને પાણીની પૂરતી આવકને પગલે જિલ્લાના ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઈ છે. લાંબા સમય સુધી વરસાદ ન વરસતા ખેડૂતો માટે ચિંતાની સ્થિતિ સર્જાઈ હતી અને એક સમયે વણાકબોરી ડેમના પાણીનું લેવલ ઘટી જવાની ભીતિ નિર્માણ થઈ હતી. જોકે પાછલા દિવસોમાં ભરપૂર વરસાદને પગલે જિલ્લામાં દુષ્કાળની ચિંતા દૂર થઈ છે.