દાગીના, એલઈડી ટીવી પરત ન આપી ચેક રિટર્ન કરાવી વધુ નાણાંની ઉઘરાણી કરતા વ્યાજખોરની ધરપકડ
વડોદરા,તા.27 મે 2023,શનિવાર
સોના ચાંદીના ગીરવે લઈ વ્યાજથી રૂપિયા આપ્યા બાદ ચેક રિટર્નની ખોટી ફરિયાદો કરી વધુ નાણાની ઉઘરાણી કરનાર વ્યાજખોર વિરુદ્ધ વારસિયા પોલીસ મથકે બે ફરિયાદો નોંધાઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વીઆઈપી રોડ ખાતે રહેતા અશ્વિનભાઈ વાડા કોરોના સમય દરમિયાન આર્થિક ભીંસ આવી જતા ટુકડે ટુકડે આરોપી બકુલેશ સુમંતલાલ જયસ્વાલ (રહે-સુશીલ પાર્ક સોસાયટી, સુપર બેકરી પાસે, ન્યુ વીઆઈપી રોડ)પાસેથી દાગીના ગીરવે મૂકી 4.97 લાખ 4 ટકા ના માસિક વ્યાજે લીધા હતા. જે પેટે 1.13 લાખ રોકડા તથા વ્યાજના રૂ. બે લાખ ચૂકવવા છતાં આરોપીએ સોના ચાંદીના દાગીના પરત ન આપી ફરિયાદીનો ચેક રિટર્ન કરાવી કોર્ટમાં કેસ કર્યો હતો. અને વ્યાજ ચક્રમાં ફસાવી આર્થિક નુકસાન પહોંચાડી માથાભારે માણસો લાવી ઊભા કરી દઈશ તેવી ધમકી આપી હતી. જ્યારે બીજા બનાવમાં વીઆઈપી રોડ ખાતે રહેતા શાંતાબેન સોલંકીએ સોના ચાંદીના દાગીના તથા એલઈડી ટીવી બકુલેશ જયસ્વાલ પાસે ગીરવે મૂકી 10ટકા વ્યાજે રૂ. 61 હજાર ની લોન લીધી હતી. મુદ્દલની સામે રૂ. 50 હજારનું વ્યાજ ચૂકવવા છતાં દાગીના કે ટીવી પરત ન આપી ચેક રિટર્ન કરાવી કોર્ટમાં ખોટી રીતે કેસ કરી વધુ રૂપિયાની માંગ સાથે ઉઘરાણી કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી બકુલેશ જયસ્વાલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
20 ટકા લેખે વ્યાજની ઉઘરાણી કરતો વ્યાજખોર ઝડપાયો
મકાનમાં આગ લાગ્યા બાદ સમારકામ માટે દાગીના ગીરવે મૂકી લોન લીધા બાદ રકમ ભરપાઈ ન કરી શકતા અદાલતે યુવકને સજા ફટકારી હતી. જે કેસના સમાધાન બાદ યુવક 93 દિવસે જેલમાંથી બહાર આવતા અગાઉના વ્યાજખોરે એક લાખની રકમ સામે 20 ટકા લેખે 12 લાખની ઉઘરાણી કરતા યુવકે વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ગુનામાં સંડોવાયેલ મોહમ્મદશાદીક મોહમ્મદઉસ્માન ગોલાવાલા રોહિત (રહે -રબારી વાડ ,છેલ્લા ફળિયા)ને પાણીગેટ પોલીસે ઝડપી પાડ્યો છે.
હજુ પણ 10 ટકા વ્યાજે ડેલી બેઝ ઉપર નાણાં ધીરવાનો ચાલતો વ્યાપાર
વડોદરા શહેરના હજુ પણ કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર 10 ટકા વ્યાજે ડેઇલી બેઝ ઉપર નાણાં ધીરવાનો ધંધો ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં રીક્ષા ચાલકો અને લારી ધારકો સોફ્ટ ટાર્ગેટ છે. કેટલાક તો વ્યાજના વિશ ચક્રમાં એવા ફસાયા છે કે જિંદગીથી કંટાળી ગયા છે. ઘણા સરકારી કર્મચારીઓના હજુ પણ એટીએમ કાર્ડ ગીરવે હોવાનું ચર્ચા રહ્યું છે. ત્યારે આ દિશામાં પોલીસ વધુ કડકાઈ દાખવે તેવી લોકમાગ છે.