વુડા વિસ્તારમાં આગામી ૧૦ વર્ષમાં નવી ૪૦ જેટલી ટીપી સ્કીમો બનશે
પૂર્વ વિસ્તારની સૂચિત ૮ ટીપી સ્કીમો અંગે પરામર્શ કરાશે ઃ પશ્ચિમની બે સુધારેલી ટીપી સ્કીમો પ્રસિધ્ધ થશે
વડોદરા, તા.6 ફેબ્રુઆરી, ગુરૃવાર
વડોદરાની આસપાસ મોટાપાયે વિકાસ થઇ રહ્યો છે. વુડા વિસ્તારમાં આવતા ગામો હવે શહેરી વિસ્તારમાં ફેરવાઇ રહ્યા હોવાથી બાંધકામને લગતી પરવાનગી આપવામાં આવે છે. સુનિયોજીત વિકાસ થાય તે માટે વિવિધ ટીપી સ્કીમો બનાવવામાં આવી રહી છે અને આગામી ૧૦ વર્ષમાં ૪૦ જેટલી ટીપી સ્કીમો બનાવવાનું ટાર્ગેટ વુડા દ્વારા નક્કી કરાયું છે જેના માટેની તૈયારીઓ અત્યારથી જ શરૃ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વુડા વિસ્તારમાં જમીનની માપણી તથા માપણી સંબંધિત વિવિધ કામગીરી ખાનગી એજન્સી દ્વારા કરાવવામાં આવે છે. એજન્સી દ્વારા સમયાંતરે વિવિધ ગામોની માપણીની સંબંધિત કામગીરી સર્વે શાખાના સામેલ રિપોર્ટ મુજબ પૂર્ણ કરી રેકર્ડ જમા કરાવવામાં આવે છે. વુડામાં છેલ્લા દસ વર્ષથી એક જ એજન્સી દ્વારા સર્વે કરવામાં આવે છે. જો કે સર્વેની કામગીરી આધુનિક ઢબે કરવામાં આવે તેવું મોડે મોડે પણ જ્ઞાાન વુડાને થયું છે અને ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખી સર્વે માટે સ્પર્ધા ઉભી થાય તે માટેની પધ્ધતિ અપનાવવાનું નક્કી કરાયું છે.
વુડા વિસ્તારમાં આગામી દસ વર્ષમાં ૪૦ જેટલી ટીપી સ્કીમો તૈયાર કરાશે તેમજ વિકાસ યોજના પણ બનાવવામાં આવશે. આ ટીપી સ્કીમો વુડા વિસ્તારના વિવિધ ગામોમાં સર્વે કરાવવા માટે હવે નવી પધ્ધતિ અપનાવવામાં આવશે. આ અંગે આજે મળેલી વુડાની બોર્ડ બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી અને આગામી વિકાસને ધ્યાનમાં રાખી નવી તૈયાર થનારી ૪૦ ટીપી સ્કીમો માટે સર્વે કરાવવાનું નક્કી કરાયું છે.
વુડાની આજે મળેલી બોર્ડ બેઠકમાં નેશનલ હાઇવેના પૂર્વ વિસ્તારની નવીસુચિત આઠ ટીપી સ્કીમો માટેની કલમ ૪૧(૧) મુજબ મુખ્ય નગર નિયોજકના હદ પરામર્શ માટે નિર્ણય લેવામાં આવ્યો હતો આ ઉપરાંત વુડાના પશ્ચિમ વિસ્તારમાં મુસદ્દારૃપ ટીપી સ્કીમ નંબર ૨૪ એ તથા ૨૪ બીમાં ઓનર્સ મિટિંગમાં રજૂ થયેલી દરખાસ્તો અંગે આવેલા વાંધા સૂચનો બાદ જમીન માલિકોને અન્યાય ના થાય તે ધ્યાન રાખી ફેરફાર કરી સુધારેલી ટીપી સ્કીમ પ્રસિધ્ધ કરવાનો નિર્ણય પણ લેવાયો હતો.