સ્ટ્રકચર સ્ટેબિલિટિના રિપોર્ટ બાદ કોર્પો. નિર્ભયતાની નોટિસો આપશે
બોર્ડના સ્ટ્રકચલ ઈજનેર પાસે મકાનોના સ્ટ્રકચર સેફટીની ચકાસણી કરાવી લેવા કોર્પો.એ પત્ર લખ્યો
વડોદરા, તા.21 જાન્યુઆરી 2020, મંગળવાર
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ૨૫ વર્ષ અગાઉ બાંધવામાં આવેલા મકાનો જૂના અને જર્જરિત બન્યા છે. આ મકાનો અંગેની મજબૂતાઈનો સ્ટ્રકચર સ્ટેબિલિટિનો રિપોર્ટ કોર્પોરેશનને મળે તે પછી કોર્પોરેશનના ચારેય ઝોન પૈકી જે ઝોનમાં મકાનો આવેલા હશે તે ઝોન દ્વારા જર્જરિત મકાનો અંગેની નોટિસ ફટકારવામાં આવશે.
ગુજરાત હાઊસિંગ બોર્ડ દ્વારા જૂની સોસાયટીનું રી-ડેવલપમેન્ટ સરકારની નીતિ મુજબ હાથ ધરવામાં આવે છે. તે અંગેની જાણ જે તે કોલોનીને કરી છે. જેને તાકીદે રિપેર કરવાની જરૃર છે તેને તાત્કાલિક રિપેર કરવા બ્લોક વાઈઝ નોટિસો આપવામાં આવી હતી.
ગુજરાત હાઊસિંગ બોર્ડ દ્વારા જૂની વસાહતોની સ્ટ્રકચરલ સ્ટેબિલિટીની ચકાસણી માટે સ્ટ્રકચરલ સલાહકાર દ્વારા જૂના મકાનોનું સ્ટ્રકચલ ઓડિટ કરવામાં આવી રહ્યું છે. અને ગમે ત્યારે તૂટી પડવાની શકયતાઓ હોય, જાનમાલના નુકસાનની પૂરેપૂરી સંભાવના છે. ગુ.હા.બોર્ડના એકટ મુજબ મકાનો ખાલી કરાવવાની સત્તા બોર્ડને ન હોય મ્યુનિસિપલ એક્ટ મુજબ સંબંધિત વિભાગને નોટિસ આપી ખાલી કરવા માટે જરૃરી આદેશ આપવા અગાઉ બોર્ડના કાર્યપાલક ઈજનેરે મ્યુનિ.કોર્પોરેશનને પત્ર લખ્યો હતો. એ પછી વડોદરા મ્યુનિ.કોર્પોરેશને બોર્ડના કાર્યપાલક ઈજનેરને પત્ર લખી કહ્યું છે કે બોર્ડ દ્વારા બનાવવામાં આવેલી વસાહતો જર્જરિત થયેલી છે. અને તેની સ્ટ્રકચર સેફટી અંગેની ચકાસણી બોર્ડના માન્ય સ્ટ્રકચર ઈજનેર દ્વારા કરાવીને જો ભયજનક જણાય તો નિર્ભય કરવા કોર્પોેરેશનના સંબંધિત ઝોનમાં જાણ કરવાની કાર્યવાહી કરવા ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસરે આપી હતી.