વડોદરા: ઔદ્યોગિક વપરાશ માટેના અને 50 વર્ષ સુધીના પીવાના પાણીનો એક્શન પ્લાન બનાવાશે
- પાણીની વિતરણ વ્યવસ્થા સુધારવા માસ્ટર પ્લાન તૈયાર કરાશે
- ટ્રાન્સપોર્ટ મોબિલિટી પર ભાર મુકતા નવા કમિશનર
- જાહેર સ્થળોએ ઇલેક્ટ્રીક વાહનોના ચાર્જિંગ સ્ટેશન બનાવાશે
- સ્વચ્છતામાં વડોદરા દેશના પ્રથમ ત્રણમાં સ્થાન પ્રાપ્ત કરે તેવો પ્રયાસ કરાશે
વડોદરા,તા.10 ઓક્ટોબર 2022,સોમવાર
વડોદરામાં ઔદ્યોગિક વપરાશ માટેના અને આગામી 50 વર્ષ સુધી ના પીવાના પાણીનો એક્શન પ્લાન બનાવાશે તેમજ પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા સુધારવા અને સુદ્રઢ કરવા માસ્ટર પ્લાન બનાવાશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવ નિયુક્ત કમિશનર બંછાનિધિ પાની એ આજે કમિશનર તરીકે ચાર્જ સંભાળતા પત્રકારોને કહ્યું હતું કે પાણી, આરોગ્ય, પર્યાવરણ અને આંતરમાળખાકીય સુવિધા સહિતના તમામ વિષયોને આવરી લઈને સ્ટડી કરાશે. જેના દ્વારા લોકોને સારી સેવા આપી લોકોના જીવન ધોરણને ઊંચું લાવી શકાય. તેમણે કહ્યું કે વડોદરા સંસ્કાર નગરી છે. વારસામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ મળેલા છે, છતાં શ્રેષ્ઠ શહેર બને તે દિશામાં પ્રયત્ન કરાશે. શહેરી વિકાસ માટે ટ્રાન્સપોર્ટેશન એટલે કે પરિવહન ગતિશીલતા બહુ અગત્યનું છે .બ્રિજ અને રોડ સુચારૂ ટ્રાફિક માટે સરળ રહે, લોકો એક સ્થળેથી બીજે સ્થળે ઝડપથી પહોંચી શકે તે જરૂરી છે. શહેરી બસ સર્વિસ ને વધુ ગતિશીલ બનાવવા અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રીક વ્હીકલ નો પણ અભિગમ અપનાવો પડશે. જાહેર સ્થળોએ ઇલેક્ટ્રીક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનો બને તે માટે પ્રયાસ કરાશે. વડોદરામાં શ્રેષ્ઠ ટાઉન પ્લાનિંગ બને અને એક્સપ્રેસ વે તથા બુલેટ ટ્રેન ધ્યાનમાં રાખીને માસ્ટર પ્લાન તૈયાર કરાશે એમ જણાવી તેમને કહ્યું હતું કે શહેર માટે સારામાં સારી કામગીરી થઈ શકે તે માટે ટેકનોલોજી નો વિપુલ ઉપયોગ કરાશે .
સીસીટીવી કમાન્ડ સેન્ટર સાથે આર્ટિફિટિયલ ઈન્ટેલિજન્સ સેલ દ્વારા દરેક વિભાગ સાથે સંકલન સાધવા પ્રયાસ થશે .સ્વચ્છતા મુદ્દે કમિશનરે કહ્યું હતું કે સ્વચ્છતા ક્ષેત્રે મોટું કામ કરીને વડોદરા દેશમાં પ્રથમ ત્રણમાં સ્થાન પ્રાપ્ત કરે તે માટે કામગીરી કરાશે. વડોદરામાં સ્પોર્ટ ક્ષેત્રે જે માળખાગત સુવિધાઓ છે તે વિકસાવવા ઉપરાંત કોચિંગ પ્રવૃત્તિને પણ આગળ ધપાવાશે. વડોદરામાં ગ્રીનરી બહુ છે અને લિનિયર પાર્ક મળે તેવો પણ પ્રયાસ હાથ ધરવામાં આવશે.