Get The App

વડોદરા કોર્પોરેશનને એક મહિનામાં મળેલી ૫૯૬૨ ફરિયાદોમાંથી ૨૬૦૯ માત્ર ગટર અને વરસાદી ગટરના પ્રશ્નોની જ છે

પાણી, કચરો અને સ્ટ્રીટલાઈટને લગતી ફરિયાદોમાં પણ વધારો

Updated: Feb 8th, 2020

GS TEAM

Google News
Google News
વડોદરા કોર્પોરેશનને એક મહિનામાં મળેલી  ૫૯૬૨ ફરિયાદોમાંથી ૨૬૦૯ માત્ર ગટર અને વરસાદી ગટરના પ્રશ્નોની જ છે 1 - image

વડોદરા,તા,8,ફેબ્રુઆરી,2020,શનિવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને છેલ્લા ૧ મહિનામાં ગટર, પાણી, કચરો, લાઈટ વગેરેની ૫૯૬૨ ફરિયાદો મળી હતી. જેમાં શહેરના પૂર્વ ઝોનમાંથી સૌથી વધુ ૧૯૧૨ ફરિયાદો મળી હતી.  કુલ ૫૯૬૨ ફરિયાદોમાંથી ગટર અને વરસાદી  ગટરને લગતી જ ૨૬૦૯ ફરિયાદો હતી.

છેલ્લા  એક મહિનાના આંકડા જોતા એવું લાગે છે  શહેરમાં ગટરો ચોક અપ થવી,   ગટોરમાંથી પાણી ટોઈલેટસ અને ચોકડીમાં બેક મારવું, ગટરો ઊભરાવવી અને ગટોરના પાણીના નિકાલ માટે પંપો મૂકવાની સમસ્યા સૌથી વધુ છે. વડોદરા કોર્પોરેશનના તંત્રે ગટરોને લગતી બાબતો પર પૂરતું ધ્યાન આપવા  અને તેનું નેટવર્ક  સુધારવાની દિશામાં ગંભીરપણે વિચાર કરવો પડશે.

આ  ઉપરાંત બીજા નંબરે સૌથી વધુ ફરિયાદો પાણીને લગતી હતી. પાણી ગંદુ મળવું, પ્રેશર ન મળવું, ઓછું મળવું, પાણી જ ન મળવું વગેરેની ૭૪૦ ફરિયાદો હતી. સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છ સર્વેક્ષણની વાતો કરતાં તંત્રને ૪૬૦ ફરિયાદો કચરો અને ગંદકીને લગતી મળી હતી. તે સિવાય ૩૯૦ ફરિયાદો સ્ટ્રીટલાઈટની હતી. જો કે સૌથી ઓછી સ્વિમિંગ પૂલ , અને અતિથિગૃહને લગતી માંડ એકેક ફરિયાદ જ હતી.  મોલ પાર્કિંગમાં ફી, ખુલ્લામાં હાજતની બે ફરિયાદ હતી ઢોર મરી ગયા હોય અને તેનો નિકાલ ન કરાતો હોય ત્યારે તેને લગતી ૩૧૫ ફરિયાદ પ્રાપ્ત થઈ હતી.

કુલ ૫૯૬૨ ફરિયાદો કોર્પોરેશનને મળી હતી, તેમાં કોર્પોરેશનના કોલ સેન્ટર ઉપર ૫૫૨૫, ઓન લાઈન ઉપર ૪૩૭ હતી. ૫૯૬૨માંથી ૩૬૯૦ ફરિયાદોનો નિકાલ કર્યાનો દાવો કરાયો છે.

પૂર્વ ઝોનની ૧૯૧૨ ફરિયાદમાંથી ૧૧૩૩નો નિકાલ કરાયો હતો. પશ્ચિમ ઝોનની ૧૬૯૦માં ૧૦૭૧નો અને દક્ષિણ ઝોનની ૧૪૦૫માંથી ૮૪૪ ફરિયાદોનો નિકાલ કર્યો હતો. ચારેય ઝોનમાં સૌથી ઓછી ફરિયાદ ઉત્તર ઝોનની ૯૫૫ જ હતી. જેમાંથી ૪૭૨નો નિકાલ કર્યો હતો.

કોર્પોરેશનને આ ફરિયાદો તા.૫ જાન્યુઆરીથી તા.૪ ફેબુ્રઆરી સુધી મળી હતી

Tags :