આદિવાસી વિસ્તારના બાળકોમાં કેલશિયમ અને વિટામિન એની ખામી જોવા મળી
એમ.એસ.યુનિ.ના વિદ્યાર્થીઓનો છોટાઉદેપુરમાં કેમ્પ યોજાયો
અઠવાડિયામાં એકવાર ફળ ખાય છે અને હોસ્ટેલમાં દૂધ તો મળતું જ નથી
વડોદરા, તા. 13 જાન્યુઆરી 2020, સોમવાર
ગામડામાં અને ખાસ કરીને છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારના લોકોની થાળીમાં સવાર-સાંજ ફક્ત મકાઈનો રોટલો અને વિવિધ પ્રકારની ભાજી જોવા મળે છે. જેનાથી તેઓને શરીર માટે આવશ્યક પોષક તત્વો મળતા નથી. બાળકોના ચેકઅપ બાદ જાણવા મળ્યું કે મોટાભાગના વિદ્યાર્થીઓમાં વિટામિન એ, કેલશિયમ અને સીકલ-સેલ એનિમિયાની ખામી જોવા મળી છે, એવું એમ.એસ.યુનિ.ની ફૂડ એન્ડ ન્યૂટ્રીશન વિભાગની વિદ્યાર્થિની સાક્ષી પટવર્ધનનું કહેવું છે.
એમ.એસ.યુનિ.ની ફેમિલિ એન્ડ કોમ્યુનિટિ સાયન્સ ફેકલ્ટીના ફૂડ એન્ડ ન્યૂટ્રીશન અને એકસ્ટેશન એન્ડ કોમ્યુનિકેશન વિભાગના ૧૦થી૧૨ વિદ્યાર્થીઓએ સામાજિક સંસ્થાની મદદથી છોટાઉદેપુરમાં 'કલરવ બાળ મેળા' નું આયોજન તા.૧૦ અને ૧૧ના રોજ કરાયું હતું. ગામડાના લોકો પોષ્ટિક આહાર તરફ વળે તે આ મેળાનો મુખ્ય હેતુ હતો. વિદ્યાર્થિની સાક્ષીએ કહ્યું કે, બે દિવસમાં અમે છોટાઉદેપુરની વિવિધ શાળાના ૬૦૦થી વધારે બાળકોને ફળ, શાકભાજી અને અનાજના મહત્વ વિશે કવિતા, પોસ્ટર્સ, નાટક અને વીડિયો દ્વારા સમજાવ્યું હતું. બાળકો સાથે વાતચીત કરતા અમને જાણવા મળ્યું કે,તેઓ ફળ અઠવાડિયામાં એક જ વખત ખાય છે. અહીં સીતાફળની ખેતી વધુ થતી હોવાથી તેઓ મોટાભાગે સીતાફળ જ ખાય છે. બીજી બાજુ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને દૂધ તો મળતું જ નથી જેથી કેલશિયમની ખામી મોટા પ્રમાણમાં જોવા મળી છે.
સવારનો નાસ્તો તો તેઓ કરતા જ નથી જો કરે તો કોદરી (એક પ્રકારનું અનાજ) અને ભાત અથવા દાળ અને ભાત ખાય છે. તેઓની થાળીમાં અઠવાડિયે એકવાર વેરાયટી જોવા મળે છે જેમાં ઘઉંની રોટલી અને શાક હોય છે. જો કે તેઓમાં શહેરીજનોની જેમ ચીઝ, બટર અને પનીરનો ક્રેઝ બિલકુલ જ નથી.