અમદાવાદ,ગુરુવાર,2
ડિસેમ્બર,2021
અપરએર સરકયુલેશન સિસ્ટમને પગલે અમદાવાદ શહેરમાં ભર શિયાળે
વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે.સૂસવાટા મારતા ઠંડા પવન સાથે સતત ઝરમર વરસાદથી
શહેરીજનો ધુ્રજી ઉઠયા હતા.સાંજ પડતા જ ટ્રાફિકથી ધમધમતા શહેરના વિવિધ રસ્તાઆ ઉપરે
લોકો અને વાહનોની ચહલ પહલ ઓછી થઈ જતા સૂના થયેલા જોવા મળી રહ્યા હતા.ઝરમર વરસાદ
અને રસ્તા ઉપર પડેલી માટીના કારણે અનેક વિસ્તારોમાં ટુ વ્હીલર ચાલકો વાહનો સાથે
પડયા હોવાના પણ બનાવ બનવા પામ્યા હતા.અનેક વિસ્તારોમાં સવારના સુમારે ગાઢ ધુમ્મસના
કારણે વિઝિબિલીટી ઓછી થઈ હતી.હજુ બે દિવસ આ વાતાવરણ રહેવાની હવામાન વિભાગ દ્વારા
આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં બુધવાર સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવ્યો
હતો.ઘટાટોપ છવાયેલા વાદળો સાથે શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસવાનું શરૃ
થયુ હતું.બુધવારે રાતભર અનેક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો.કેટલાક વિસ્તારોમાં
તો સૂસવાટા મારતા ઠંડા પવન સાથે વરસાદ વરસતા લોકોને સ્વેટર ,શાલ સહિતના
વસ્ત્રો પહેરીને કામકાજ ઉપર જવાની ફરજ પડી હતી.ગુરુવારે પણ સવારથી મોડી રાત સુધી
ઝરમર વરસાદ ચાલુ રહેતા શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાતા નજરે પડી રહ્યા હતા.
ભર શિયાળે અચાનક આવેલા વાતાવરણના પલ્ટાને પરિણામે વરસી
રહેલા ઝરમર વરસાદને કારણે એસ.જી.હાઈવે ઉપરાંત સેટેલાઈટ,બોડકદેવ ઉપરાંત
પાલડી,નવરંગપુરા
સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાઓ માટીના કારણે ચીકણા બની જતા વાહનચાલકોને તેમના
વાહન ચલાવતી વખતે ખુબ કાળજી રાખવી પડી
હતી.પૂર્વ અમદાવાદ સહિત પશ્ચિમ અને અન્ય વિસ્તારોમાં મેટ્રો રેલની ચાલી રહેલી
કામગીરીના કારણે એપ્રોચ રસ્તાઓ ઉપર રહેલી માટી અને વરસાદી પાણીના કારણે વાહન
ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
સતત બે દિવસથી શહેરના વાતાવરણમાં આવેલા પલ્ટાને કારણે શહેરના
રાત્રિ ખાણી પીણી બજારોમાં પણ લોકોની સંખ્યા ઘટી જવા પામી હતી.લોકો ઝરમર વરસાદ અને
સૂસવાટા મારતા પવનોના વાતાવરણમાં મોડા સુધી બહાર ફરવા કરતા સાંજ થતા જ ઘરે પરત ફરવાનુ
યોગ્ય માનતા રાતે મોડા સુધી ટ્રાફિકની ચહલ પહલ સાથે ધમધમતા રસ્તાઓ રાતે આઠ સુધીમાં
જ સુના થયેલા જોવા મળી રહ્યા હતા.


