દક્ષિણ આફ્રિકા સહિત અન્ય દેશોના મહાનુભાવો માટે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ

ઓમિક્રોન વેરિયન્ટને પગલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટને ગ્રહણ
ગુજરાત આવવા આમંત્રણ તો અપાયું પણ પાર્ટનર દેશોના ડેલિગેટ્સ કન્ફર્મેશન આપવા તૈયાર જ નથી, સરકાર ચિંતાતુર
અમદાવાદ : ઓમિક્રોન વેરિયન્ટને લીધે દુનિયાભરમાં ગભરાટ ફેલાયો છે. એટલુ જ નહીં, નવા વેરિયન્ટે લીધે જાન્યુઆરીમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પર પણ ગ્રહણ લાગી શકે છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ખાસ કરીને દક્ષિણ આફ્રિકાના આમંત્રિતો ગુજરાત નહી આવે તે લગભગ નક્કી છે. આ ઉપરાંત અન્ય કન્ટ્રી પાર્ટનર દેશોના ડેલિગેટસ પણ ગુજરાત આવવાનુ ટાળે તેમ છે જેથી ગુજરાત વાયબ્રન્ટ સમિટમાં વર્ચ્યુલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવે તેવી પૂરેપુરી સંભાવના છે. વર્ચ્યુઅલ પ્લેટફોર્મના માધ્યમથી જ વિદેશના ડેલિગેટો વાઇબ્રન્ટ સમિટમાં સામેલ થશે.
દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટે વિશ્વમાં ચિંતાનો માહોલ સર્જી દીધો છે. ખુદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ આ વેરિયન્ટને ખતરનાક ગણાવી સતર્ક રહેવા દેશોને અપીલ કરી છે.
ખુબ જ ઝડપથી ફેલાનારાં આ ઓમિક્રોન ેવરિયન્ટે સાઉથ આફ્રિકા જ નહીં, બોસ્તવાના, બ્રિટન, હોગકોગ, ઇઝરાયેલ,નેધરલેન્ડ સહિતના દેશોમાં ય દેખા દીધી છે. કેટલાંય દેશોમાં ફલાઇટ પર રોક લગાવી છે તો વિદેશથી આવનારા પ્રવાસીઓ પર નજર રાખી છે. ટ્રાવેલ ગાઇડ જાહેર કરાઇ છે.
આ વખતે પાટનગર ગાંધીનગરમાં યોજાનારા ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ઓમિક્રોન વેરિયન્ટને લીધે વિદેશના ડેલિગેટો હવે ગુજરાત આવવાનુ ટાળે તેવી સ્થિતી સર્જાઇ છે.
ગુજરાત સરકારે તો યુકે,યુએસએ,નેધરલેન્ડ, જાપાન સહિત કુલ 15થી વધુ દેશોના ડેલિગેટસોને આમંત્રણ પાઠવ્યુ છે પણ ડેલિગેટ્સ હજુ કન્ફર્મેશન આપવા તૈયાર નથી. નવા વેરિયેન્ટ ખુબ જ જોખમી છે જેના લીધે ઘણા ઓછા ડેલિગેટો વિદેશથી આવે તેમ છે.
આ પરિસ્થિતી સર્જાતા ગુજરાત સરકારે હવે વર્ચ્યુઅલ પ્લેટફોર્મનું વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. વિદેશની ફાયનાન્સ સહિત અન્ય કંપનીઓના વડા,ડેલિગેટ અને રાજકારણીઓ વર્ચ્યુઅલ પ્લેટફોર્મના માધ્યમથી પોતાના દેશમાં બેઠા બેઠા જ ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાતમાં સામેલ થશે તેવી શક્યતા જોવાઇ રહી છે.
સૂત્રોના મતે, અત્યારે તો કોરોનાના નવા વેરિયન્ટે ચિંતા સર્જી છે ત્યારે ગુજરાત સરકારના આખાય આયોજન પર પાણી ફરે વળે તેમ છે જેથી હવે છેલ્લી ઘડીએ ગુજરાત સરકારે આ સંદર્ભમાં પીએમઓ પાસેથી માર્ગદર્શન મેળવાયુ છે. ટૂંકમાં, આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આખુય લૂક બદલાઇ જાય તો નવાઇ નહી. હવે તો કેટલાં દેશોમાંથી પ્રતિનિધીઓ ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં આવે તે જોવુ રહ્યું.

