ચેમ્બરની ચૂંટણીમાં પ્રગતિ પેનલનો ભવ્ય વિજય : આત્મનિર્ભર પેનલનો રકાસ
- સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ માટે હેમંત શાહ 1387 વોટ મેળવી વિજયી : ભાવેશ લાખાણીએ 447 મત મેળવ્યા
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 6 સપ્ટેમ્બર, 2020, રવિવાર
ગુજરાત ચેમ્બરની શનિવારે યોજાયેલી ચૂંટણીના રવિવારે જાહેર થયેલા પરિણામોમાં પ્રગતિ પેનલનો ભવ્યાતિભવ્ય વિજય થયો છે. તેની સામે સાત ઉમેદવારોની બનેલી આત્મનિર્ભર પેનલનો કરૂણ રકાસ થયો છે. સિનિયર વાઈસ પ્રેસિડન્ટશીપના ઉમેદવાર હેમંત શાહે 1378 મત મેળવીને તેમના હરીફ ઉમેદવાર જયેન્દ્ર તન્ના (362 મત)ને કારમો પરાજય આપ્યો હતો.
ગુજરાત ચેમ્બરની આ વર્ષની ચૂંટણીમાં આત્મનિર્ભર પેનલના તમામ સભ્યોનો પરાજય થતાં ચૂંટણી એક પક્ષી બની ગઈ હતી. જોકે આત્મનિર્ભર પેનલમાંથી વાઈસ પ્રેસિડન્ટશીપની ચૂંટણી માટે લડેલા ભાવેશ લાખાણીએ મોટાભાગના હોદ્દેદારોના વિરોધ વચ્ચે સામે પૂરે તરીને કે.આઈ. પટેલ સામે 447 ઉત્તમ પરફોર્મન્સ આપ્યું હતું. બીજી તરફ કે.આઈ. પટેલે પણ અત્યંત સારો દેખાવ કરીને 1178 મત મેળવીને વિજય મેળવ્યો હતો.
ગુજરાત ચેમ્બરના નવા બનેલા પ્રમુખ નટુભાઈ પટેલે અને વિદાય લઈ રહેલા પ્રમુખ દુર્ગેશ બૂચે પ્રગતિ પેનલના તમામ વિજેતા ઉમેદવારોને અભિનંદન આપ્યા હતા અને આત્મનિર્ભર પેનલના ઉમેદવારોનો પણ આભાર માન્યો હતો. આ વિજય બાદ પ્રગતિ પેનલના ઉમેદવારોએ ફટાકડાં ફોડીને વિજયની ઉજવણી કરી હતી.
બિઝનેસ એસોસિયેશનની કેટેગરીમાં મસ્કતી કાપડ મહાજનના ગૌરાંગ ભગતે કુલ 393 મતમાંથી 334 મત મેળવીને સૌથી વધુ ટકા મત મેળવીને પ્રભાવક વિજય હાંસલ કર્યો હતો. તેમની જ કેટેગરીમાં લડી રહેલા પ્રગતિ પેનલને હરગોવિન્દસિંહ રાજપૂત 288 મત મેળવીને વિજયી રહ્યા હતા.
અમદાવાદના ઇલેક્ટ્રોનિક્સના વેપારીઓના એસોસિયેશનના મેઘરાજ ડોડવાણી 166 મત મેળવીને પરાજિત થયા હતા. બિઝનેસ એસોસિયેશન બહારગામની કેટેગરીમાં અંબર પટેલ 334 મત મેળવીને વિજયી બન્યા હતા. તેમના હરીફ જગદીશ મોદી માત્ર 91 મત જ મેળવી શક્યા હતા.
લાઈફ પેટ્રનની કેટેગરીમાં પ્રગતિ પેનલના અનિલ જૈન 199 મત અને હિતેન વસંત 185 મત મેળવીને વિજયી થયા હતા. અચસ શાહે ઉમેદવારી પાછી ખેંચી લીધી હોવા છતાંય તેમને 39 મત મળ્યા હતા. લાઈફ પેટ્રન બહારગામની કેટેગરીમાં સૌરિન પરીખ 188 મત મેળવીને વિજયી બન્યા હતા. તેમની સામે ચૂંટલી લડી રહેલા અરવિન્દ ગજેરાને માત્ર 59 મત મળ્યા હતા. લાઈફ પેટ્રનની કેટેગરીમાં 80 મત ઇનવેલિડ ઠર્યા હતા.
ગુજરાત ચેમ્બરની જનરલ કેટેગરીમાં લડતા બાર ઉમેદવારોમાંથી પ્રગતિ પેનલના આઠે આઠ ઉમેદવાર વિજેતા બનીને આત્મનિર્ભર પેનલના ચારેય હરીફોને જબરજસ્ત શિકસ્ત આપીને રીતસર સુપડાં સાફ કરી નાખ્યા હતા.
પ્રગતિ પેનલના અજય ડી. પટેલ 1583 મત મેળવીને તથા અંકિત શંકરભાઈ પટેલ 1483 મત મેળવીને વિજયી બન્યા હતા. ચેતન ડી. શાહ 1481 મત સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા. જ્યારે પથિક શૈલેશ પટવારી 1481 મત મેળવી વિજેતાની યાદીમાં ચોથા ક્રમે રહ્યા હતા.
જનરલ કેટેગરીમાં ભૂપેન્દ્ર પટેલ 1432, વિરંચી શાહ 1418, ઉદિત દિવેટીયા 1330 અને મદનલાલ જયસ્વાલ 1262 મત મેળવીને આઠમા ક્રમે રહ્યા હતા. આત્મનિર્ભર પેનલના અણિત શાહ 521, મનીષ પટેલ 492, અલ્પેશ મહેતા 488 અને દેવેન્દર પ્રજાપતિ 260 મત સાથે પરાજિત થયા હતા.