બળાત્કાર માટે 20 વર્ષની સજા ફટકારતાં આરોપીનો ભોગ બનનાર યુવતિ-પિતા પર હુમલો
- ભદ્રકોર્ટ સંકુલમાં મારામારી થતાં દોડધામ મચી
- ઘાતક હુમલો થતાં પિતા સારવાર હેઠળ
અમદાવાદ, તા. 20 જુલાઇ 2019, શનિવાર
હાથીજણ વિસ્તારમાં બળાત્કારનો ગુનો બન્યો હતો જેનો આજે ભદ્ર કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેથી આરોપીના પરિવારજનો ઉશ્કેરાઇ ગયા હતા અને કોર્ટ સંકુલમાં ભોગ બનાનારી યુવતી સાથે મારામારી કરીને ધમકી આપી હતી એટલું જ નહી યુવતીના પિતા પર લોખંડની ઘોડીથી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે કારંજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હાથીજણ વિસ્તારમાં અગાઉ યુવતી સાથે બળાત્કારની ઘટના બની હતી આ કેસ આજે ભદ્ર ખાતેની સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતાં ચિન્ટ ચૌધરીને દોષિત ઠરાવીને ૨૦ વર્ષની સજા ફરમાવતો ચૂકાદો જાહેર કરવામાં આવ્યો હતો. બપોરે ૧૨ વાગ્યાના સુમારે સજા સંભળાવ્યા બાદ આરોપીના પરિવારજનો ઉશ્કેરાઇ ગયા હતા અને કોર્ટ સંકુલમાં ભોગ બનાનારી યુવતીને પકડીને લાફા મારી હાથપગ તોડી નાંખવાની ધમકી આપતાં બુમાબુમ મચી ગઇ હતી અને ઉત્તેજનાભર્યું વાતાવરણ સર્જાયું હતું.
એટલું જ નહી આરોપીના પિતાએ પણ યુવતીના પિતાના માથામાં લોખંડની ધોડી મારતા લોહી લુહાણ થઇ ગયા હતા તુરંત એમ્બ્યુલન્સમાં સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામા આવ્યા હતા આ ઘટના અંગે કારંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એફ.એમ.નાયબના જણાવ્યા મુજબ બળાત્કારના ગુનામાં સજા સંભાવતા આરોપીઓ પરિવારજનો ઉશ્કેરાઇ ગયા હતા અને મારામારી કરી હતી.