સરખેજમાં આવેલા ઝાકીર પાર્કમાં રહેતા તબીબ પાસે ૫૦ લાખની ખંડણી માંગનાર માથાભારે મુશીર કુરેશીની ધરપકડ
માથાભારે મુશીર કુરેશી વિરૂદ્વ હત્યા, હત્યાની કોશિષ સહિતના નવ ગુના નોંધાયેલા છે.
તબીબને સારવારના બહાને ઘરે બોલાવીને લમણે પિસ્તોલ ધરી બંગલો વેચવા અથવા રહેવાના બદલામાં ખંડણી માંગીઃ આરોપી વિરૂદ્વ હત્યા સહિતના નવ ગુના નોંધાયા છે
અમદાવાદ, શુક્રવાર
શહેરના સરખેજમાં રહેતા ૬૨ વર્ષીય તબીબનું મકાન સસ્તામાં ખરીદવાનું કહીને માથાભારે બિલ્ડર મુશીર કુરેશીએ ધમકી આપી હતી. જો કે તબીબે મકાન વેચાણે આપવાની ના કહેતા તેણે તબીબના લમણે પિસ્તોલ રાખીને સોસાયટીમાં રહેવાના બદલામાં ૫૦ લાખની ખંડણી માંગી હતી. આ બનાવ સંદર્ભમાં વેજલપુર પોલીસે ગુનો નોંધીને મુશીર કુરેશીને મોડી રાત્રે ઝડપી લીધો હતો. માથાભારે મુશીર કુરેશી વિરૂદ્વ હત્યા, હત્યાની કોશિષ સહિતના નવ ગુના નોંધાયેલા છે. શહેરના સરખેજમાં આવેલા ઝાકીર પાર્કમાં રહેતા ૬૨ વર્ષીય અશરફખાન દિવાન જુહાપુરા મેમણ હોલ પાસે ક્લીનીક ધરાવે છે. જુહાપુરામાં યુશરા ડેવેલોપર્સના નામે વ્યવસાય કરતો માથાભારે મુશીર કુરેશી તેમના ક્લીનીક પર છેલ્લાં ઘણા સમયથી નિયમિત રીતે આવતો હતો. તેણે અશરફખાનને ધમકી આપી હતી કે તમે જે બંગલામાં રહો છે તે બંગલો મને ૫૦ લાખમાં વેચાણ આપી દો. જો નહી આપો તે તમારે શાંતીથી રહેવા માટે મને ૫૦ લાખ ચુકવવા પડશે. નહીતર જુહાપુરામાં રહેવા લાયક નહી રહેવા દઉ. અશરફખાનના મકાનની બજાર કિંમત ૩ કરોડ રૂપિયા જેટલી હોવાથી તેમણે મુશીરને વેચાણે આપવાની ના કહી હતી. તે પછી મુશીરના માણસો ક્લીનીક પર આવીને દર્દીઓને પરેશાન કરવાની સાથે દરવાજા પાસે પાન મસાલા ખાઇને થુકીને ભયનો માહોલ બનાવતા હતા. સાથેસાથે ક્લીનીકથી તે ઘરે જતા ત્યારે પણ પીછો કરીને ડરાવતા હતા. આશરે દોઢ મહિના પહેલા રાતના બે વાગે મુશીર સાથે કામ કરતા બે વ્યક્તિ અશરફખાનના ઘરે આવ્યા હતા. તેમણે અશરફખાનને કહ્યુ હતુ કે મુશીરની તબિયત ખરાબ છે. જેથી સારવાર માટે તારે ઘરે આવવું પડશે. જેથી ડરીને તે મુશીરના ઘરે ગયા ત્યારે મુશીરે તેને હથિયાર બતાવીને ધમકી આપી હતી. જો ૫૦ લાખ રૂપિયા નહી આપે તો તારા લમણામાં ગોળી ધરબી દઇશ. જો કે અશરફખાન તેને તાબે થયા નહોતા. બીજી તરફ ગુરૂવારે સવારે તે ક્લીનીક પર હાજર હતા ત્યારે એક વ્યક્તિએ આવી કહ્યું હતું કે આ લાસ્ટ વોર્નિગ છે. પૈસા નહી આપે તો હવે ભોગવવા માટે તૈયાર રહેજે. જેથી અશરફખાને આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જેના આધારે વેજલપુર પોલીસે મુશીર કુરેશી તેના માટે કામ કરતા ફિરોઝ, ફિરદોશ અને રાજુ સહિત પાંચ લોકો વિરૂદ્વ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ આર એમ ચૌહાણે જણાવ્યું કે મુશીર કુરેશી વિરૂદ્વ હત્યા, હત્યાની કોશિષ, ખંડણી, મારામારી જેવા નવ જેટલા ગુના નોંધાયેલા છે. ગુનો નોંધાયા બાદ મોડી રાત્રે તેને ઝડપીને અન્ય સાગરિતોની શોધવામાં આવી રહ્યા છે. મુશીર કુરેશીએ ધમકી આપી હોય અને ડરીને કોઇએ ફરિયાદ ન કરી હોય તો તે વેજલપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે. જેથી આરોપી વિરૂદ્વ વધુ આકરી કાર્યવાહી કરી શકાય.