વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં "મેરી મિટ્ટી મેરા દેશ" અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
- 100 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
- વિજેતાઓને સર્ટિફિકેટ અને ઇનામ એનાયત કરાશે
વડોદરા,તા.17 ઓગસ્ટ 2023,ગુરૂવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા "મેરી મિટ્ટી, મેરા દેશ" અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આજ રોજ આયોજન કરેલ હતું. જેમાં વકતૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા, કાવ્ય લેખન સ્પર્ધા તેમજ શિક્ષકોની શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સ્પર્ધાઓ "મેરી મિટ્ટી મેરા દેશ" અંતર્ગત ભારત દેશની ગરિમા, સંસ્કૃતિ વારસો અને શહીદોની વીર ગાથાઓ પ્રદર્શિત કરતા વિષયોને આવરી લે તે રીતે યોજાઈ હતી. આ સ્પર્ધાઓ શાળા કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓને ઝોન કક્ષાએ સ્પર્ધા કરવા યોજાઈ હતી. ઝોન કક્ષાએ વિજેતા બનેલા અંદાજિત 100 જેટલા વિદ્યાર્થીઓને આજ રોજ સમિતિ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે બોલાવવામાં આવેલા હતા. આ સ્પર્ધામાં ઉપસ્થિત રહેલ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામ તેમજ વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા કરવામાં આવી હતી. વિજેતા વિદ્યાર્થીઓની યાદી હવે પછી તૈયાર કરવામાં આવશે.