આરોપી વંદિત પટેલે ડ્રગ્સની કમાણીનું રોકાણ ફાર્મ હાઉસ-ફ્લેટમાં કર્યું હતું
બોપલ ડ્રગ્સ મામલો
પ્રહલાદનગરમાં બે લક્ઝરી ફ્લેટ ઉપરાંત, રાંચરડામાં ફાર્મ હાઉસમાં પણ રોકાણ હતું : પોલીસ સંપત્તિ સીલ કરી શકે છે
અમદાવાદ : બોપલ ડ્રગ્સ કેસમાં હજુ અનેક ખુલાસા થવાની શક્યતાને આધારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે આરોપી વંદિત પટેલ અને પાર્થ શર્માના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી છે.
તો સાથેસાથે પોલીસને એવી પણ માહિતી મળી છે કે વંદિત પટેલે ડ્રગ્સની કમાણીમાંથી અમદાવાદના પ્રહલાદનગરમાં બે લક્ઝરી ફ્લેટની ખરીદી કરી હતી. તેમજ તાજેતરમાં રાંચરડામાં એક ફાર્મ હાઉસમાં રોકાણ કર્યાની વિગતો પણ મળી છે. જેથી આગામી સમયમાં પોલીસ તપાસના ભાગ રૂપે આ સંપતિ સીલ કરી શકે છે.
બોપલ ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપી વંદિત પટેલ અને તેના સાગરિત પાર્થ શર્માની પુછપરછમાં દરરોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. તો અન્ય આરોપી જીલ પરાંતે અને વિપલ ગોસ્વામીને રિમાન્ડ પુરા થતા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.
આરોપી વંદિત પટેલે બે વર્ષમાં ક્રિપ્ટો કરન્સી દ્વારા રૂપિયા 10 કરોડના નાણાંકીય વ્યવહાર અમેરિકામાં કર્યાની વિગતો સાથે એવી પણ માહિતી મળી છે કે વંદિત પટેલે ડ્રગ્સમાં કમાયેલા કરોડો રૂપિયાનું રોકાણ કરીને પ્રહલાદનગરમાંં બે લક્ઝરી ફ્લેટની ખરીદી કરી હતી.
આ ઉપરાંત, થોડા મહિનાઓ પહેલા જ રાંચરડામાં એક ફાર્મ હાઉસમાં પણ રોકાણ કર્યાની વિગતો મળી છે. આ ફાર્મ હાઉસ પર વંદિત પટેલ નિયમિત રીેતે જતો હતો અને ડ્ગ્સ પેડલરની મીટીંગ પણ ત્યાં કરતો હતો. તેમજ ડ્રગ્સનો જથ્થો પણ ત્યાં છુપાવતો હતો.જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
જ્યારે તેણે ડ્રગ્સના નાણાંથી ખરીદેલી સંપતિને સીલ કરવા માટે પોલીસ આગામી સમયમાં તજવીજ હાથ ધરી શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ ગ્રામ્ય પોલીસ આગામી સમયમાં તેમના દ્વારા ફાઇલ થનારી ચાર્જશીટમાં પણ વંદિત પટેલે ડ્રગ્સના નાણાંમાંથી ખરીદેલી સંપતિનો ઉલ્લેખ કરી શકે છે.
આ ઉપરાંત, વંદિત મુંબઇ અને ગોવાના કેટલાંક લોકોના સંપર્કમાં હતો. જેની તપાસ માટે પોલીસની ટીમ ગોવા અને મુંબઇ પણ જશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. ખાસ કરીને વંદિત ગોવામાં ખાસ પાર્ટીનું આયોજન કરતો હતો. જ્યાં તેની સાથે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાથી પણ અનેક લોકો પાર્ટીમા જોડાયા હતા. જેથી પોલીસ તેનું ગોવા કનેકશન પણ તપાસી રહી છે.