વડોદરામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો આવતીકાલથી પ્રારંભ
- તમામ વોર્ડમાં વિકાસયાત્રા નક્કી કરેલા રૂટ ઉપર સવાર સાંજ ફરશે
વડોદરા,તા.4 જુલાઈ 2022,સોમવાર
દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્યના છેલ્લા બે દાયકાના વિકાસ ને લોકો સુધી પહોંચાડવા વંદે ગુજરાત વિકાસ રથ ફેરવવામાં આવશે. વડોદરામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ તારીખ 5 ના રોજ સમા સ્પોટ્સ કોમ્પલેક્ષ ખાતે સાંજે 5:00 વાગ્યાથી થશે. મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી યાત્રાને પ્રસ્થાન કરાવશે. તારીખ 6 થી 19 સુધી તમામ વોર્ડમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા સવાર સાંજ આયોજિત થનાર છે ,અને આ માટે રૂટ નિયત કરવામાં આવ્યા છે. વડોદરાના વિવિધ વોર્ડમાં વિકાસયાત્રા દરમિયાન જુદા જુદા થયેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ, નવા મંજૂર થયેલા કામોની જાહેરાત, યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ, વૃક્ષારોપણ, પર્યાવરણ જાગૃતિ, સાફલ્ય ગાથા જેવા લોકાભિમુખ કાર્યક્રમમાં હાથ ધરવામાં આવશે.