Get The App

વડોદરા 25 વર્ષથી રોડ પર નડતરરૂપ શાકમાર્કેટ કોર્પોરેશને શિફ્ટ કર્યું

Updated: Jun 12th, 2023

GS TEAM

Google News
Google News
વડોદરા 25 વર્ષથી રોડ પર નડતરરૂપ શાકમાર્કેટ કોર્પોરેશને શિફ્ટ કર્યું 1 - image


- કોર્પોરેશનની જગ્યામાં 25 લાખનો ખર્ચ કરી ધંધાર્થીઓ માટે સુવિધાઓ ઊભી કરી

- રોડ પર હજી ધંધો કરતા કેટલાક ધંધાર્થીઓને ઉભા નહીં રહેવા દેવાય

- શાક માર્કેટ ખસતા ટ્રાફિક સમસ્યા હલ થઈ 

વડોદરા,તા.12 જુન 2023,સોમવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં ગધેડા માર્કેટ પાસે રોડ પર જ શાકની લારીઓ ઉભી રાખી ધંધાર્થીઓ શાક માર્કેટ ભરતા હોવાથી રાહદારીઓ અને ટ્રાફિકને ખૂબ જ તકલીફ પડતી હતી. હવે કોર્પોરેશન દ્વારા આ શાકમાર્કેટને બાજુના પ્લોટમાં લાઈટ, પાણીની  સુવિધા આપીને શિફ્ટ કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષના કહેવા મુજબ હજુ કેટલાક લોકો રોડ પર લારીઓ ઉભી રાખે છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોનિટરિંગ કરીને આ લારીઓ ત્યાંથી ઊંચકી લેવડાવવામાં આવે છે. શાક માર્કેટ શિફ્ટ થવાથી રોડ પર ટ્રાફિકની જે સમસ્યા રહેતી હતી તે હલ થઈ છે. કિશનવાડી વિસ્તારમાં ગધેડા માર્કેટથી ઠેકર નાથ રોડ પર છેલ્લા 25 વર્ષથી શાકમાર્કેટ ભરાય છે. અહીં ખાસ તો સાંજે આ શાક માર્કેટ ના કારણે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા રહેતી હતી કારણ કે આ રોડ પર વાહન વ્યવહાર ખૂબ છે. એક સમયે અહીં 50 ધંધાર્થીઓ હતા પરંતુ ધીમે ધીમે વધીને 600 જેટલા થઈ ગયા છે. અગાઉ કોર્પોરેશન દ્વારા આ શાક માર્કેટ ખસેડીને બાજુના પ્લોટમાં લઈ જવાયું હતું, પરંતુ ત્યાં કોઈ વ્યવસ્થા હતી નહીં, પરિણામે શાક વેચતા ધંધાર્થીઓ ફરી પાછા રોડ પર ઉભા રહી શાક વેચવાનું ચાલુ કરી દીધું હતું. જેથી કોર્પોરેશન દ્વારા આશરે 25 લાખના ખર્ચે આ પ્લોટમાં પેવર બ્લોક, લાઇટ ,પાણી, વરસાદી પાણીનો નિકાલ વગેરેની સુવિધાઓ ઉભી કરી છે. કોર્પોરેશન દ્વારા ધંધાર્થીઓનો સર્વે કર્યો હતો. જેમાં જેની પાસે લાઈટ બિલ હોય તેની યાદી તૈયાર કરી હતી અને કુટુંબદીઠ એક વ્યક્તિ લારી ઉભી રાખી શકે તે માટે આયોજન કર્યું હતું. હજુ પણ લોકો બહાર ઉભા રહીને ધંધો કરે છે, તેઓને ખસેડવામાં આવી રહ્યા છે. રોડ પર નડતર રૂપ બને તે રીતે કોઈને ઊભા નહીં રહેવા દેવાય.

Tags :