વડોદરા: ગોત્રિમાં આવેલું જિલ્લા પુસ્તકાલય અદ્યતન અને સ્માર્ટ બનશે
- મુખ્યમંત્રીશ્રી દ્વારા એક કરોડ રૂપિયાના વિશેષ અનુદાન ની ફાળવણી
- પુસ્તકાલયના 10 હજાર જેટલા સદસ્યોને અદ્યતન સુવિધાઓનો મળશે લાભ
વડોદરા,તા.5 જુન 2021,શુક્રવાર
વડોદરાનું મધ્યસ્થ ગ્રંથાલય એટલે કે સેન્ટ્રલ લાયબ્રેરી રાજ્ય ગ્રંથાલયનો દરજ્જો ધરાવે છે અને મહારાજા સયાજીરાવની રાજ્યની પ્રજાને તે સમયે અદ્યતન પુસ્તકાલય વ્યવસ્થાની ભેટ આપવાની દીર્ઘદૃષ્ટિ માટે આ આદર્શ ગ્રંથાલયની ખૂબ નામના છે. પરંતુ વડોદરા શહેરમાં પ્રજાની જ્ઞાન પિપાસા સંતોષવા એક જિલ્લા ગ્રંથાલય કાર્યરત છે એ બાબતની ઘણાં ઓછા લોકોને ખબર છે.
આ જિલ્લા ગ્રંથાલય હાલમાં ગોત્રી વિસ્તારમાં વડોદરા મહાનગર પાલિકાની એક ઈમારતમાં કાર્યરત છે. હાલમાં હવાલાના રાજ્ય ગ્રંથપાલ જે.કે.ચૌધરીએ જણાવ્યું કે 10 હજાર જેટલા સદસ્યો ધરાવતા આ જિલ્લા પુસ્તકાલયમાં વિવિધ વિષયોને આવરી લેતાં અંદાજે 28 હજારથી વધુ પુસ્તકો છે.
મુખ્યમંત્રીએ ગઇકાલે રાજ્યના 5 જિલ્લા ગ્રંથાલયોને અદ્યતન અને સ્માર્ટ બનાવવા, પ્રત્યેક ને રૂ.1 કરોડનું વિશેષ અનુદાન ફાળવવાની જાહેરાત કરી છે. વડોદરા જિલ્લા ગ્રંથાલયનો તેમાં સમાવેશ થવાથી હવે શહેરને એક સ્માર્ટ લાયબ્રેરીની ભેટ મળશે.
શ્રી ચૌધરીએ જણાવ્યું કે હાલમાં આ એક ટ્રેડિશનલ લાયબ્રેરી છે. આ અનુદાનની મદદથી તેને હાઈટેક અને સ્માર્ટ લાયબ્રેરી બનાવી શકાશે જેના લીધે સદસ્યોને અદ્યતન પુસ્તકાલયની સુવિધાઓ ઉપલબ્ધ બનશે.
ઉલ્લેખનિય છે કે વડોદરાના સયાજીકાલીન મધ્યસ્થ પુસ્તકાલયમાં અંદાજે 3 લાખ જેટલાં પુસ્તકો છે જેમાં ઘણાં દુર્લભ ગ્રંથોનો સમાવેશ થાય છે. તેના 37 હજાર જેટલાં સદસ્યો છે.
મુખ્યમંત્રીશ્રી દ્વારા આ રૂ.1 કરોડનું વિશેષ અનુદાન જિલ્લા ગ્રંથાલયને અદ્યતન,સ્માર્ટ અને જમાનાની માંગ પ્રમાણેના ગ્રંથાલયમાં ફેરવવા માટે કરવામાં આવ્યું છે.
તેની મદદથી જિલ્લા ગ્રંથાલયને સી.સી.ટીવી,વાઇફાઇ નેટવર્ક,ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ કરી શકાશે. આ અનુદાનની મદદથી પુસ્તકાલયમાં રીફ્રેશમેન્ટ ઝોન,આર.ઓ.પ્લાન્ટ,અદ્યતન ફર્નિચર,નવા પુસ્તકો અને વાંચન સામગ્રી,સંદર્ભ ગ્રંથોનો ઉમેરો કરી શકાશે.
માંડવી નજીક આવેલા નમૂનેદાર મધ્યસ્થ પુસ્તકાલયની વાત કરીએ તો ત્યાં અંદાજે બે કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન વિદ્યાર્થી અધ્યયન કક્ષ બનાવવામાં આવ્યો છે.