- નાગરિકો 101 ડાયલ કરે તો અન્ય શહેરોના ફાયર કંટ્રોલરૂમમાં નબર ડાયવર્ટ થઈ રહ્યા છે
- બીએસએનએલનો કંટ્રોલરૂમ અન્ય રાજ્યમાં શિફ્ટ થતા સમસ્યા ઉદ્ભવી
વડોદરા,તા.15 માર્ચ 2023,બુધવાર
ફાયર બ્રિગેડના ઈમરજન્સી નંબર 101માં ટેકનિકલ ખામી સર્જાતા લોકો માટે મુશ્કેલી સર્જાઈ રહી છે. ફાયર વિભાગનો ઈમરજન્સી નંબર છેલ્લા કેટલાક દિવસથી તકનીકી ખામીના કારણે ચિંતાનો વિષય બન્યો છે. ઘણી વખત 101 નંબર ડાયલ કરતા અન્ય શહેરોના ફાયર કંટ્રોલરૂમમાં નંબર ડાયવર્ટ થઈ રહ્યા છે. ટેક્નિકલ ફોલ્ટના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવતા ફાયર બ્રિગેડ અને નાગરિકો બંને મુશ્કેલીમાં મુકાયા છે.
ઇમરજન્સી 101 નંબર ફાયર વિભાગ કંટ્રોલ રૂમને ફાળવવામાં આવ્યો છે. કોઈ દુર્ઘટના સમયે નાગરિક 101 નંબર ડાયલ કરે તો અન્ય શહેરોમાં તે નંબર ડાયવર્ટ થઈ રહ્યો છે. પરિણામે નાગરિકો અને ફાયર કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્યમાં આ બાબતની ફરિયાદો ઉઠી હોવાની વિગતો સામે આવી છે. આ ખામી પાછળ બીએસએનએલ કંટ્રોલરૂમ અન્ય રાજ્યમાં શિફ્ટિંગની કામગીરી જવાબદાર હોવાનું મનાય છે. આ બાબતે વડોદરા ફાયર ચીફ ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટનો સંપર્ક સાધતા તેમણે કહ્યું હતું કે, આ વિષય અમારા ધ્યાન પર આવ્યો છે. અને બીએસએનએલ કંપની સાથે વાતચીત ચાલી રહી છે. તેઓના કંટ્રોલરૂમ શિફ્ટિંગની કામગીરીના કારણે પ્રશ્નો ઉદભવ્યો છે. ત્યારે આ બાબતે સરકારે ગંભીરતા સમજી સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવું જોઈએ.


