વડોદરામાં 29 લાખનું ડ્રગ્સ લાવનાર સલીમને લઇ મુંબઇના નીગ્રોને શોધવા દરોડા,મુંબઇ પોલીસ મદદે આવી
વડોદરાઃ વડોદરામાં રૃ.૨૯ લાખનું ડ્રગ્સ લાવનાર મુંબઇના સલીમને ડ્રગ્સનો સપ્લાય પહોંચાડતા નીગ્રોને શોધવા માટે વડોદરા પોલીસે મુંબઇ પોલીસની મદદથી સર્ચ કર્યું હતું.પરંતુ નીગ્રોનો પત્તો લાગ્યો નથી.
તાંદલજાના ફ્લેટમાં એમડી ડ્રગ્સનો સોદો થઇ રહ્યો હોવાની વિગતોને પગલે વડોદરા એસઓજીની ટીમે ઇમરાનખાન ઉર્ફે ચીકનદાનાવાલો મહેમુદખાન પઠાણ (મોઇન એપાર્ટમેન્ટ,નવાબનો વાડો) અને ડ્રગ્સ આપવા આવેલા સલીમ ઇમ્તિયાઝ શેખ (ઠાકુરપાડા,મુંબ્રા,થાણે,મુંબઇ)ને ઝડપી પાડી રૃ.29.20 લાખની કિંમતનું ૨૯૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ,રોકડા રૃ.એક લાખ, કાર-બાઇક અને મોબાઇલ કબજે કર્યા હતા.
સલીમે આ ડ્રગ્સ દોઢ મહિનાથી એક નીગ્રો પાસેથી લાવતો હોવાની વિગતો કબૂલી હતી.જેથી એસઓજીના પીઆઇ સી બી ટંડેલે સલીમને રિમાન્ડ પર લઇ એક ટીમ મુંબઇ મોકલી હતી.સલીમે જે જગ્યા બતાવી તે ડોંગરી સ્ટેશનના સેન્ડાઝ રોડ વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી કરતા નીગ્રોનું વર્ચસ્વ હોવાની અને તેઓ પોલીસ પર વારંવાર હુમલા કરતા માહિતી મળી હતી.
જેથી વડોદરા પોલીસે મુંબઇ પોલીસને સાથે રાખી સર્ચ કર્યું હતું.પરંતુ વડોદરામાં ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઇનો નીગ્રો હાથ લાગ્યો નહતો.આ દરમિયાનમાં પોલીસને મુંબઇના સલીમ પાસેથી ડ્રગ્સ લેનાર વડોદરાના વધુ એક ડ્રગ્સ પેડલરનું પણ નામ મળ્યું છે.જેથી તેની તપાસ કરવામાં આવી રહી છે.