વડોદરા: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઐતિહાસિક પુસ્તકાલયને અધ્યતન બનાવાશે
- 100 વર્ષ જુના પુસ્તકો ડિજિટાઇઝ કરાશે
- શાળાઓમાં જરૂરી સુવિધાઓ ઊભી કરવા રોડ મેપ તૈયાર કરાયો
વડોદરા,તા.10 ફેબ્રુઆરી 2023,શુક્રવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની યોજાયેલી બેઠકમાં વડોદરાની મિશન સ્કૂલસ ઓફ એક્સેલન્સમાં સમાવેશ ન થયેલી શાળાઓ અન્ય શાળાથી પાછળ ન પડે અને વિદ્યાર્થીઓને મુળભુત સુવિધા મળી રહે તે અંગે ચર્ચા વિચારણા થઈ હતી. જે તે શાળાની જરૂરિયાત ધ્યાને રાખી કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં તમામ શાળાઓમાં સુવિધાઓ ઊભી કરવા માટે રોડ મેપ બનાવવામાં આવ્યો હતો. કુલ ૪ શાળાઓના ટોઈલેટ બ્લોકનું પુન: નિર્માણ કરવું, મધ્યવર્તી સમિતિ ખાતે હાલનું ઐતિહાસિક મધ્યસ્થ પુસ્તકાલય કે જેમાં ૭૦ થી ૧૦૦ વર્ષ જુના પુસ્તકો છે તેને ડીજીટાઈઝ કરી નવા પુસ્તકાલયનું નિર્માણ કરવા વિચારાયું છે. આ ઉપરાંત સમિતિની શાળાઓમાં બેંચીસ, ટેબલ, ખુરશી અને તિજોરી જેવી જરૂરી સામાનની ખરીદી કરી જે તે શાળા ને ફાળવી આપવા, જ્યાં જરૂર હોય તેવી શાળાઓમાં રંગ રોગન અને સામાન્ય રીપેરીંગ કરવું તેમજ જરૂરી હોય તેવી શાળાઓ માટે મધ્યાહ્ન ભોજન આપવાની ડીશોની ખરીદી કરવા નક્કી કરાયું હતું.