વડોદરા, તા. 28 નવેમ્બર 2019, ગુરુવાર
ગુજરાતમાંથી ફક્ત વડોદરાના ૩ ગુજરાત બટાલીયન એનસીસીના બે કેડેટને પ્રથમવાર પેરા બેસિક કોર્સની તાલીમ લેવાની તક મળી હતી. જેમાં તેઓની સાથે પેરા મિલિટરી કમાન્ડોએ પણ તાલીમ લીધી હતી. તાલીમ મેળવનાર પાર્વતી રાઠવાએ કહ્યું કે, એરફોર્સના ઓફિસર્સ દ્વારા અમને તા.૨થી ૨૪ સપ્ટેમ્બર ૧૨ દિવસ તાલીમ આપવામાં આવી હતી.
એનસીસીના આર્મી વિંગમાં બીજા વર્ષની તાલીમ લઈ રહેલી અને મૂળ છોટાઉદેપૂરની પાર્વતીએ કહ્યું કે, આ વર્ષે આગ્રામાં પેરા બેઝિક કોર્સની તાલીમ રાખવામાં આવી હતી. આ માટે ૪૦૦મી. દોડના પાંચ રાઉન્ડ તેમજ સીટ અપ્સ રાખવામાં આવ્યા હતા. આ ટેસ્ટ પાસ કર્યા બાદ અમારા બંનેની પસંદગી કરાઈ હતી. અમારી સાથે ૧૯ રાજ્યોમાંથી ૨૦ ગર્લ્સ કેડેટ અને ૨૦ બોયઝ કેડેટ આવ્યા હતા. ડભોઈ કોલેજમાં બીએનો અભ્યાસ કરી રહેલી ખેડૂત પુત્રી પાર્વતીને પોલીસમાં જોડાઈને દેશ અને લોકોની સેવા કરવી છે.
પેરા બેઝિક કોર્સની તાલીમ લેનાર અન્ય એનસીસી કેડેટ તીર્થ પારેખે કહ્યું કે, ૧૨ દિવસની તાલીમમાં દરરોજ ચાર વાગ્યે અમારે પેરા મિલિટરી કમાન્ડો સાથે ઉઠીને પેરા ટ્રુપર્સ ટ્રેનિંગ સ્કૂલ ખાતે પહોંચી જવું પડતું હતું. પેરા બેઝિક કોર્સની તાલીમ માટે પેરા મિલિટરીના કમાન્ડોની પણ પસંદગી કરવામાં આવે છે. જેમાં તેઓએ ૨૪ કલાક ૨૦થી વધારે કિલો વજન સાથે દોડવું પડે છે. ઓફિસર્સ અમારો જુસ્સો વધારવા કહેતા 'મુશ્કેલીથી ડરવાનું નહીં, મરવાનું તો નક્કી જ છે તો શા માટે દેશની સેવા કરીને પ્રાણ ન ગુમાવીએ' અને અંતે અમને એરફોર્સના એરક્રાફ્ટ N-32માં ૧૨૫૦ ફૂટ ઉંચાઈ પર લઈ જવામાં આવ્યા અને ત્યાંથી દરેક કેડેટે પેરા જંપિંગ કર્યું હતું. લેડિંગ ચેક કરવા માટે દરેક કેડેટને ત્રણ તક આપવામાં આવે છે. પરંતુ વાતાવરણ ખરાબ હોવાના કારણે અમને બે વાર તક મળી હતી. સાવલીના તીર્થને આર્મીમાં જોડાઈને દેશની સેવા કરવી છે.


