વડોદરામાં જન સેવા કેન્દ્રના કર્મચારીઓની હડતાળ હજારો અરજદારો હેરાન
વડોદરા, તા. 13 જૂન 2019, ગુરૂવાર
વડોદરામાં નર્મદા ભવન ખાતે આવેલ જનસેવા કેન્દ્રના કર્મચારીઓ છેલ્લા છ મહિનાથી પગાર નહીં મળતા અચાનક હડતાળ પર ઉતરી જતા હજારો લોકોને મુશ્કેલી વેઠવાનો સમય આવ્યો છે.
શાળા તેમજ કોલેજમાં અત્યારે પ્રવેશ મેળવવાની કાર્યવાહી ચાલે છે અને તે માટે આવકનો દાખલો સહિતના દસ્તાવેજની જરૂર પડતી હોય છે ત્યારે જન સેવા કેન્દ્રના કર્મચારીઓ છેલ્લા 6 મહિનાથી પગાર નહીં મળતા આજે અચાનક હડતાળ પર ઉતરી ગયા છે.
એક સપ્તાહ પહેલા જન સેવા કેન્દ્રના કર્મચારીઓ દ્વારા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છતાં કોઈ પગલાં નહીં લેવાતા આખરે આજે જન સેવા કેન્દ્રના કર્મચારીઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો હતો. આજે સવારથી વિવિધ દાખલા ઉપરાંત રેશનકાર્ડ સહિતની કામગીરી માટે લાઈનમાં ઉભા રહેલા અરજદારોને હાલાકી ભોગવવી પડી હતી.