Get The App

'પૂર'જોશમાં વડોદરાવાસીઓનો આક્રોશ: અભદ્ર કમેન્ટોથી કંટાળી નેતાઓએ વીડિયો-ફોટો શેર કરાવાનું બંધ કર્યું

Updated: Sep 2nd, 2024

GS TEAM


Google News
Google News
'પૂર'જોશમાં વડોદરાવાસીઓનો આક્રોશ: અભદ્ર કમેન્ટોથી કંટાળી નેતાઓએ વીડિયો-ફોટો શેર કરાવાનું બંધ કર્યું 1 - image

image : File Photo

Vadodara Flooding : વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસર્યા પછી ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને રાજકીય પક્ષોના કાર્યકરો વિરુદ્ધ હેરાન થયેલા નાગરિકો દ્વારા ફટકાર વરસાવવાનું બંધ થઈ રહ્યું નથી. તો બીજી તરફ જે જન પ્રતિનિધિ પોતાના સોશિયલ મીડિયા પર પૂર અંગે કરેલી કામગીરીનો ચિતાર મૂકે તે સાથે જ નાગરિકો તેના વિરુદ્ધ ફટકાર દર્શાવવાનું શરૂ કરી દે છે. જેના કારણે હવે અનેક રાજકીય લોકોએ તેમના દ્વારા થઈ રહેલી કામગીરીને સોશિયલ મીડિયા પર રજૂ કરવાનું બંધ કરી દીધું છે. 

શહેરમાં વર્ષ 1976થી પણ વધુ ભયાનક પૂર આ વખતે નાગરિકોએ અનુભવ્યું છે. વર્ષોથી પાણી ન આવતા હોય તેવા વિસ્તારમાં પણ આ વર્ષે પૂરે ખાનાખરાબી સર્જી દીધી છે. જેનાથી લોકોની મિલકતોને પારાવાર નુકસાન થયું છે. માત્ર તેઓના વાહનને જ નહીં પરંતુ અનાજ અને અન્ય ઘરની વસ્તુઓની ખાનાખરાબી ગઈ છે. હવે નાગરિકોનો આક્રોશ ચરમ સીમાએ પહોંચ્યો છે. હવે પૂરના પાણી ઓસર્યા બાદ રાજકીય અગ્રણીઓ દ્વારા થતી કામગીરી અપૂરતી અને સંતોષકારક ન હોવાની ખૂબ જ વ્યાપક ફરિયાદો ઉઠી છે.

વડોદરાના નાગરિકોએ પોતાની નારાજગી અંગે હવે સ્થાનિક નેતાઓ પર ભરોસો રાખવાના બદલે સીધો પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓ સમક્ષ પોતાની વેદના રજૂ કરવાની શરૂ કરી દીધી છે. જેથી અનેક ઉચ્ચ નેતાઓની નજર હવે વડોદરામાં થઈ રહેલી પૂરની રાહત અને બચાવ કામગીરી સમક્ષ મંડાઇ છે. જે અંતર્ગત વડોદરા ખાતે રાજ્ય સ્થળના મંત્રીઓ અને નેતાઓની લટાર પણ વધી ગઈ છે. જો વડોદરાને હવે સાચવવામાં નહીં આવે તો નાગરિકોનો ગુસ્સો સત્તાધારી પક્ષ વિરુદ્ધ વધુ મજબૂત થશે અને તેને કારણે આગામી દિવસોમાં વધુ મુશ્કેલી વધી જશે તેવા દિવસો દૂર નથી તેમ લોકમૂખે ચર્ચાઈ રહ્યું છે.

આના કારણે હવે પક્ષે પણ વડોદરાની સ્થિતિની ગંભીરતા સમજવા લાગી છે. હવે જે કોઈ જનપ્રતિનિધિ પોતાના દ્વારા થઈ રહેલી પૂર અંગેની રાહત અને બચાવની કોઈ કામગીરી કરે અને તેની વાહવાહી લૂંટવા પોતાના કે અન્યના સોશિયલ એકાઉન્ટ પર તસવીરો અથવા વિડીયો શેર કરે તેઓની નાગરિકોએ બરાબરની ખબર લીધી છે. જ્યારે સોશિયલ મીડિયા પર રાહત અને બચાવ કામગીરીના વખાણ કરતા વિડીયો કે ફોટા મૂક્યા છે તે સાથે જ નાગરિકોનો આક્રોશ ફાટે છે અને અનેક અભદ્ર કોમેન્ટનો મારો પણ શરૂ થાય છે.

ત્યારે ઘણાએ પોતે કરેલા કાર્યોને સોશિયલ મીડિયા પરથી દૂર કર્યા છે. તો અનેક રાજકીય અગ્રણીઓ અને નેતાઓ હવે પોતાની ફરજ સમજી પૂર રાહતની થતી કામગીરીના પુરાવા સોશિયલ મીડિયા પર મૂકવાના બંધ કર્યા છે. ત્યારે હવે નેતાઓએ પ્રસિદ્ધિની ભૂખ બંધ કરીને સાચી જન સેવા કરવી જરૂરી છે, નહીં તો તેઓને હજુ કડવા પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.

આ પણ વાંચો : વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે ગાંધીનગર અને દિલ્હી ખાતે આજે બેઠક યોજાશે : ગૃહ રાજ્ય મંત્રી વડોદરાની ઓચિંતી મુલાકાતે આવ્યા

Tags :