વડોદરા: બાથરૂમના બાંધકામ બાબતે ચાકુ થી હુમલો: બે ને ઇજા
વડોદરા,તા.9 જાન્યુઆરી 2023,સોમવાર
વડોદરા શહેરના ફતેહપુરા વિસ્તારમાં અવરજવરમાં નડતરરૂપ મકાનના બાથરૂમના બાંધકામ બાબતે પાડોશીઓ બાખડયા હતા. જે અદાવતે બે ભાઈઓ ઉપર પાડોશીએ લોખંડની પાઇપ વડે હુમલો કરી ચાકુના ઘા મારતા બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
શહેરના ફતેહપુરા ધૂળધોયાવાડ ખાતે રહેતા સરફરાજ ઉર્ફે ભયલુ અજીદમિયા શેખએ ફરિયાદ નોંધાવી હતી કે, પાડોશી યુસ્તેકિમ સમસુદ્દીન શેખ અવરજવરમાં નડતરરૂપ બાથરૂમનું બાંધકામ કરતો હતો. જેથી હુંએ તથા મારા નાના ભાઈ અલતમએ નડતરરૂપ બાંધકામ ન કરવા જણાવ્યું હતું. મકાન માલિક અનવર ભાઈ એ પણ તેમને આ બાબતે સમજાવ્યા હતા. જેથી હુંએ પોલીસ સ્ટેશનમાં અરજી કરતાં સમાધાન થયું હતું. ત્યારબાદ મોડીરાત્રે હું તથા અલતમ ઘર નજીક ઉભા હતા, તે સમયે યુસ્તેકિમએ બાથરૂમ હું બનાવીને જ રહીશ તેમ જણાવી ધમકી આપી લોખંડના પાઇપ વડે અમારી ઉપર હુમલો કરી મને તથા મારા ભાઈને ચાકુના ઘા માર્યા હતા. પરિવાર તથા સ્થાનિકો મદદે દોડી આવતા હુમલાખોર સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ફરિયાદના આધારે વારસિયા પોલીસે હુમલાખોરની અટકાત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.