પાદરા-જંબુસર રોડ ફોર લેન નહી થતાં વારંવાર થતા અકસ્માતો
પાદરા તાલુકાના સૌથી મોટા અકસ્માતનો મુદ્દો આજે વિધાનસભામાં પણ ઉછળશે
વડોદરા, તા.28 ફેબ્રુઆરી, શુક્રવાર
પાદરા તાલુકાના મહુવડ-રણુ વચ્ચેના રોડ પર શનિવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૧૩ વ્યક્તિના મોત નિપજાવનાર ડમ્પર ચાલક તેમજ તેના માલિક પિતાની પોલીસે મોડે મોડે ધરપકડ કરી છે. વડોદરાથી-પાદરા અને જંબુસર વચ્ચે હેવી ટ્રાફિક હોવા છતાં વર્ષોથી આ રોડ ફોર લેન નહી થતા લોકોમાં રોષ પણ ફાટી નીકળ્યો છે.
ઉલ્લેખનીય છે કે સાવલી તાલુકાના ગોઠડા ગામે મોસાળું પૂર્ણ કરીને પરત ફરતા મુસ્લિમ પરિવારના ટેમ્પોને અકસ્માત નડતા ૧૩ વ્યક્તિના કરૃણ મોત નિપજ્યા હતાં. અકસ્માત કરી ફરાર થઇ ગયેલા ડમ્પરના ચાલક સતિષ રમેશભાઇ પરમાર અને તેના પિતા રમેશ કનુભાઇ પરમાર (બંને રહે.શાહ ફળિયું, મહંમદપુરા, તા.પાદરા)ની ગઇકાલે ધરપકડ કરી છે.
વડોદરાથી જંબુસર વચ્ચે અનેક મોટી કંપનીઓ હોવાથી મોટા વાહનોની અવરજવર રહેતી હોય છે એટલું જ નહી પરંતુ ટોલ બચાવવા માટે સૌરાષ્ટ્ર તરફ જતા વાહનો પણ ગંભીરા બ્રિજ થઇને જતા હોય છે જેના કારણે વારંવાર અકસ્માતો થાય છે તેમ છતાં આ રોડ ફોર લેન કરવાની મંજૂરી સરકાર દ્વારા અપાતી નથી. મહત્વની બાબત એ છે કે એક્સપ્રેસ હાઇવે તેમજ રેલવેનો ડીએફસીસી પ્રોજેક્ટ પણ ચાલતો હોવાથી અનેક ડમ્પરો આ રોડ પર બેફામ દોડતા હોય છે. આ વાહનો પર પોલીસનો કોઇ અંકુશ નથી જેના કારણે અકસ્માતોની સંખ્યા વધતી જાય છે.
માટી ભરેલા ડમ્પરો પાદરા તાલુકાના આંતરિક માર્ગો પરથી નીકળતા અકસ્માતોનો ભય રહેતો હોય છે. પાદરા તાલુકામાં થયેલા અકસ્માતોમાં ૧૩ વ્યક્તિના મોતના બનાવનો મુદ્દો આવતીકાલે વિધાનસભામાં પણ ઉછળવાનો હોવાનું જાણવા મળ્યું છે. વિધાનસભામાં જવાબ માટે કલેક્ટર કચેરીમાં પણ દોડધામ ચાલી હતી.