વડોદરા ગેસ કંપની દ્વારા CNGના પ્રતિ કિલોના ભાવમાં રૂપિયા ત્રણનો વધારો ઝીંક્યો
વડોદરા,તા.03 ઓક્ટોબર 2022,સોમવાર
વડોદરા ગેસ કંપની દ્વારા ફરી એક વાર કોમ્પેક્ટ નેચરલ ગેસ ના ભાવમાં પ્રતિ કિલોના રૂ.3 નો વધારો કરવામાં આવ્યો છે જેથી સીએનજી વાહન ચાલકોને પડતા પર પાટુ માર્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
ઇન્ટરનેશનલ કક્ષાએ ગેસના ભાવમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે જેની સીધી અસર પેટ્રોલ ડીઝલ તેમજ નેચરલ ગેસ પર પડી રહી છે ત્યારે વડોદરા ગેસ કંપની દ્વારા છેલ્લા છ મહિનામાં ચાર વખત પાઇપલાઇન થી અપાતા ઘરગથ્થુ ગેસના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો જ્યારે કોમ્પેક્ટ નેચરલ ગેસ નો ભાવ જ્યારે જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં વધતો હોય છે ત્યારે ત્યારે ભાવમાં વધારો કરી દેવામાં આવતો હોય છે.
ગઈકાલે વડોદરા ગેસ કંપનીએ ફરી એક વખત cng ના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.3 નો વધારો કર્યો છે વડોદરા ગેસ કંપનીના સીએનજીના ભાવ અગાઉ રૂ.82 પ્રતિ કિલોના હતા તે વધારીને રૂપિયા 85 પ્રતિ કિલોના કરવામાં આવ્યા છે જ્યારે પીએનજીના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
દરમિયાનમાં જાણવા મળતી માહિતી પ્રમાણે અદાણી ગેસ કંપનીએ અમદાવાદ સુરત સહિત અન્ય શહેરોમાં સીએનજીનો પ્રતિ કિલોનો ભાવ 87 થી 88 રૂપિયા રાખ્યો છે જ્યારે વડોદરામાં 84 પોઇન્ટ 15 પૈસા રાખવામાં આવ્યો છે જ્યારે હવે વડોદરા ગેસ કંપનીનો ભાવ 85 રૂપિયા થતા વાહન ચાલકોને વડોદરા ગેસ કંપનીનો સીએનજી મોંઘો પડશે.