વડોદરા : દિયર અને ભાભીને અડફેટે લેતાં રીક્ષા ધીમી ચલાવવા જણાવતા રીક્ષાચાલક પિતા-પુત્રનો હુમલો
image : Freepik
વડોદરા,તા.22 ઓગસ્ટ 2023,મંગળવાર
વડોદરા શહેરના આજવારોડ અમરદીપ ટાઉનશીપ ખાતે પૂરપાટ ઝડપે ઘસી આવેલ રીક્ષા ચાલકે કારને કવર ઢાંકતા દિયર તથા તેની ભાભીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેથી રીક્ષા ધીમે ચલાવવા ટોકવા બાબતે રીક્ષા ચાલકના પિતાએ ફરિયાદીના ભાઈ સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે પોલીસે ફરિયાદના આધારે રીક્ષા ચાલક પિતા પુત્રની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
આજવા રોડ ખાતે રહેતા શિવાજી પાટીલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, 20 ઓગસ્ટના રોજ રાત્રે હું તથા મારા ભાભી અમારા ઘર આંગણે પાર્ક કરેલ મારા ભાઈની કારને કવર ઢાંકી રહ્યા હતા. તે સમયે સોસાયટીમાં રહેતો મોહિત નિલેશ બારોટ નામના રીક્ષા ચાલકે પુર ઝડપે રીક્ષા ચલાવી મને તથા મારા ભાભીને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જેમાં મને તથા ભાભીને નાની વતી ઇજાઓ પહોંચતા રીક્ષા ચાલક મોહિતને રીક્ષા ધીરે ચલાવવા સમજાવ્યું હતું. ત્યારબાદ મોડી રાત્રે મોહિત તેના પિતા નિલેશ બારોટ સાથે સોસાયટીમાં ઘસી આવ્યો હતો. અને અપશબ્દો બોલી મેં મારા દીકરાને રીક્ષા ચલાવવા આપી છે તે ગમે તેમ રીક્ષા ચલાવશે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સમયે મારો ભાઈ મહાદેવ પાટીલ નિલેશ બારોટને સમજાવવા જતા નિલેશે તેની પાસેની લાકડી વડે મારા ભાઈ ઉપર હુમલો કર્યો હતો.