વડોદરા: સાઈટ ખાતે ડીલીવરી અગાઉ અન્ય સ્થળે 5500કિ.ગ્રા લોખંડના સળિયા ઉતારી ચોરીની ઘટનાને અંજામ આપતા ડ્રાઇવર-ક્લીનર
વડોદરા,તા.25 નવેમ્બર 2022,શુક્રવાર
વડોદરા શહેર નજીક આવેલ મોકસી ગામ ખાતેની ફેક્ટરીમાંથી લોખંડના સળિયાનો જથ્થો ભરી સાઈટ ખાતે ડીલીવરી અગાઉ રસ્તામાં જથ્થા પૈકી રૂ.૩.૮૫ કિંમતના ૫૫૦૦ કિ.ગ્રા લોખંડના સળિયા અન્ય સ્થળે ઉતારી ચોરીની ઘટનાને અંજામ આપનાર ટ્રેલર ડ્રાઇવર અને ક્લીનર વિરુદ્ધ કંપની મેનેજર એ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે ફતેગંજ પોલીસે આરોપીઓ વિરુદ્ધ નોકર ચોરીનો ગુનો નોંધી તેમની ધરપકડનાર ચક્રો ગતિમાન કર્યા હતા.
આ અંગેની વિગત એવી છે કે આણંદના રહેવાસી ચિરાગભાઈ પટેલ સાવલીના મોકસી ગામ ખાતે હાઈટફ સ્ટીલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપનીમાં લોખંડના સળિયાનું ઉત્પાદન થયા બાદ જે તે વેપારીઓને ટ્રેલર મારફતે સામાનની ડિલિવરી આપવામાં આવે છે. 18 નવેમ્બરના રોજ ડ્રાઇવર કરણસિંહ હજારીસિંહ રાવત તથા ક્લીનર કુશાલસિંહ હેમસીહ રાવત (બંને રહે -રાજસ્થાન )બાંધકામમાં વપરાતા લોખંડના સળિયા ટ્રેલરમાં ભરી શહેરના ગેંડા સર્કલ પાસે સળિયાની ડિલિવરી આપવા નીકળ્યા હતા. જ્યાં સાઈટ ઉપરથી સળિયાનો જથ્થો ઓછો હોવાનો ફેક્ટરીને જાણ કરવામાં આવી હતી. તપાસ કરતા ડ્રાઇવર અને ક્લીનરે મળી ડીલેવરી અગાઉ ફતેગંજ નવાયાર્ડ મસ્જિદ પાસે રૂ.૩.૮૫ કિંમતનો ૫૫૦૦ કિલોગ્રામ લોખંડના સળિયા ઉતારી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.