વડોદરા : ભારતના બીજા રાષ્ટ્રપતિ અને ઉત્તમ શિક્ષક સર્વપલ્લી રાધાક્રિષ્નનના જન્મ દિન પાંચ સપ્ટેમ્બરના રોજ દેશમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. જે નિમિત્તે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વડોદરા દ્વારા આજે સયાજીનગર ગૃહ અકોટા ખાતે યોજાયેલા એક સમારંભમાં જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ટ શિક્ષકોને એવોર્ડ એનાયત કરવામા આવ્યા હતા.
જિલ્લા શિક્ષણાધિકારીએ આ અંગે વાત કરતા કહ્યું હતું કે 'શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટેના માપદંડમાં સુધારો કરવામા ંઆવ્ય છે જે મુજબ તાલુકા કક્ષાએ પાંચ વર્ષનો જિલ્લા કક્ષાએ ૧૦ વર્ષનો અને રાજ્ય કક્ષાએ ૧૫ વર્ષનો અનુભવ જરૃરી છે પહેલા તમામ કક્ષાઓ માટે ૧૫ વર્ષનો અનુભવ જરૃરી હતો. આ એવોર્ડ માટે એવા શિક્ષકોની પસંદગી કરવામાં આવે છે કે જેણે શિક્ષણ ક્ષેત્રે નવી દિશા ચિંધી હોય, પોતાના વિષયનું અને શાળાનું પરિણામ સુધારવામાં મહેનત કરી હોય અને શિક્ષણ ઉપરાંત બાળકોને ઇતર પ્રવૃતિ માટે તાલીમ આપી હોય.
જે મુજબ આ વર્ષે વડોદરા જિલ્લા કક્ષાએથી બે શિક્ષકો ડો.નિતેશ કુમાર રજનીકાંત ઠાકર (વાકળ વિદ્યાલય બાજવા) અને સ્મિતાબેન દિનેશચંદ્ર રાણા (ઠિકરીયા પ્રા.શાળા, તા.પાદરા)ની જ્યારે તાલુકા કક્ષાએ ત્રણ શિક્ષકો સુરેશકુમાર દિપસિંગ વણજારા (પીપળીયા પ્રા.શાળા, તા.ડભોઇ), ઉષાબેન ચીમનલાલ ભોઇ (તુલસીગામ પ્રા.શાળા, તા.ડેસર) અને ભાવેશકુમાર સુભાષચંદ્ર ત્રિવેદી (મોટા મોતિપુરા પ્રા.શાળા, તા.સાવલી) મળીને પાંચ શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી થઇ છે તેઓને આજે શિક્ષક દિન નિમિત્તે એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
કઠીન પરિસ્થિતિમાં પણ કામ કરતા શિક્ષકોને મારી નાખવાની ધમકી પણ મળે છે, શ્રેષ્ઠ શિક્ષકને માઇક પર બોલતા ત્રણ વખત અટકાવ્યા
સુરેશકુમારનું કહેવુ હતું કે અંતરીયાળ વિસ્તારમાં આવેલી શાળાએ પહોંચવા માટે વાહન વ્યહાર નથી હોતો, પર્વતો અને નદી ઓળંગીને જવુ પડે છે. જંગલમા જવુ પડે છે. શાળામાં એક જ ક્લાસરૃમ હોય તે પણ જર્જરીત હોય.આવી કઠીન અને વિપરીત પરિસ્થિતિમાં પણ શિક્ષક પોતાની ફરજ બજાવે છે. કેટલાક સ્થળોએ ગ્રામજનો શાળાની જમીનના વિવાદને લઇને શાળાની તાળા બંધી કરે. શિક્ષકોને મારી નાખવાની ધમકીઓ મળે. આવી પરિસ્થિતિ વચ્ચે પણ શિક્ષક ડગતો નથી અને ત્યારે શ્રેષ્ઠ શિક્ષકના સન્માનનો હકદાર બને છે.
શિક્ષણ ઉપરાંત બાળકોને સામાજિક, સાંસ્કૃતિક અને મુલ્યવર્ધક પ્રવૃતિઓમાં પણ પ્રવૃત કરે છે
બાજવા વાકળ વિદ્યાલયના અંગ્રેજી વિષયના શિક્ષક ડો.નિતેશકુમાર ઠાકરને પણ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે. નિતેશ કુમારે બીએ.એમએ, એમએડ, એમફીલ, ત્રણ ડિપ્લોમાં અને એજ્યુકેશન વિષય પર પીએચડી કર્યુ છે. તેમણે તેમની શાળામાં અંગ્રેજી વિષયનુ પરિણામ નબળુ આવતુ હતુ તે સુધારીને ૭૫ થી ૮૦ ટકા કરી દીધુ છે ઉપરાંત વિભાગની અન્ય શાળાઓ કે જ્યાં અંગ્રેજી વિષયનું પરિણામ ૩૦ ટકાથી ઓછુ હતુ ત્યા પણ મહેનત કરીને પરિણામ સુધાર્યુ છે. તેઓ શિક્ષણ ઉપરાંત બાળકોને સામાજિક, સાંસ્કૃતિક અને મુલ્યવર્ધક પ્રવૃતિઓમાં પણ પ્રવૃત કરે છે.
ભીક્ષાવૃતિ કરતા બે બાળકોને દત્તક લઇને પોતાની શાળામા ભણાવે છે
જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળવનાર પાદરા તાલુકાના ઠિકરીયામઠ પ્રા.શાળાના શિક્ષિકા સ્મિતાબેન રાણા રાજ્ય સરકારના ટેક્સબુક નિર્માણ કાર્યમાં પણ જોડાયેલા છે. વડોદરા રેલવે સ્ટેશન ઉપર કચરો વીણીને ભીખ માગતો એક બાળક અને તેની બેનને સ્મિતાબેને દત્તક લીધા છે અને ઠિકરાયી મઠની પ્રા.શાળામા ભણાવી રહ્યા છે એટલુ જ નહી તેનો ખર્ચ પણ ઉઠાવી રહ્યા છે હાલમાં બાળક છઠ્ઠા ધોરણમાં ભણે છે જ્યારે તેની બહેન પાંચમા ધોરણમાં છે બન્નેના પરિણામ ૭૫ ટકાથી ઉપર જ હોય છે. સ્મિતાબેને તેની શાળામાં ડ્રોપ આઉટ રેસિયો ૯૦ ટકા હતો તે ઝીરો કરી દીધો છે.


