વડોદરા: બરાનપુરા વિસ્તારમાં ભૂતના ડેકોરેશન નિહાળવા સમયે ધક્કો વાગતા મારામારી
વડોદરા,તા.8 સપ્ટેમ્બર 2022,ગુરૂવાર
વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં શ્રીજીના પંડાલ ખાતે ભૂતનું ડેકોરેશન નિહાળવા સમયે ધક્કો વાગવાના કારણે અજાણી ત્રિપુટીએ ચાકુ વડે હુમલો કરી ફરિયાદીને ઇજા પહોંચાડવાની સાથે તેના બે મિત્રોને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.
શહેરના નાગરવાળા વિસ્તારમાં રહેતો માનવ સોલંકી તેના મિત્રો રોનક અને આતિશ સાથે બરાનપુરામાં શ્રીજીના પંડાલ ખાતે ભૂતનું ડેકોરેશન નિહાળવા ગયો હતો. જ્યાં ભીડ વધુ હોવાના કારણે મિત્ર રોનકને અજાણ્યા વ્યક્તિથી ધક્કો વાગ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે રકજક થતા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તે વખતે ત્રણ અજાણ્યા વ્યક્તિઓએ જણાવ્યું હતું કે, તમે બહાર આવો. ત્યારબાદ પંડાલ પાસે મારી ઉપર શાક સમારવાના ચપ્પા વડે પીઠના ભાગે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. અને મારા બંને મિત્રોને ગડદાપાટુનો માર માર્યો હતો.