વડોદરા ડીઈઓ કચેરીની વેબસાઈટ એક સપ્તાહથી ઠપ
વડોદરાઃ એક તરફ શૈક્ષણિક વર્ષ રાબેતા મુજબ શરુ થઈ ગયુ છે અને ધો.૧૨માં સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓને બોલાવીને શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે ત્યારે ડીઈઓ કચેરીની વેબસાઈટ છેલ્લા એક સપ્તાહથી ઠપ થઈ ગઈ છે.
છેલ્લા કેટલાક સમયથી સ્કૂલોને સરકારના પરિપત્ર પાઠવવાના હોય તો ડીઈઓ કચેરી દ્વારા વેબસાઈટ પર તેને અપલોડ કરવામાં આવે છે.સ્કૂલો માટે ડીઈઓ કચેરી દ્વારા સ્થાનિક સ્તરથી કોઈ સૂચના કે ગાઈડલાઈન આપવાની હોય તો તે પણ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવતી હોય છે.આમ સ્કૂલોને પણ જાણકારી મેળવવામાં તકલીફ પડી રહી છે.
જોકે છેલ્લા એક સપ્તાહથી આ વેબસાઈટ ઠપ થઈ ગઈ છે.વેબસાઈટનુ હોમ પેજ પણ ખુલી રહ્યુ નથી.ડીઈઓ કચેરીના સૂત્રોનુ કહેવુ છે કે, ટેકનિકલ ખામીના કારણે વેબસાઈટ કામ કરી રહી નથી પણ આગામી બે-ચાર દિવસમાં વેબસાઈટ ફરી કાર્યરત થઈ જશે.