વડોદરા : ચેક રિટર્ન કેસમાં આરોપીએ ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતા સેશન્સ કોર્ટે સજાનો હુકમ માન્ય રાખ્યો
image : Freepik
વડોદરા,તા.10 ઓગષ્ટ 2023,ગુરૂવાર
ચેક રિટર્નના કેસમાં ટ્રાયલ કોર્ટે આરોપી રમીલાબેન સુરેશભાઈ શાહ (રહે- કમલા પાર્ક સોસાયટી, વાઘોડિયા રોડ ,વડોદરા )ને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા વળતર પેટે દોઢ લાખ ચૂકવવા હુકમ કર્યો હતો. આ હુકમથી નારાજ થઈ આરોપીએ ક્રિ. પ્રો. કોડની કલમ 374 હેઠળ અત્રેની સેશન્સ અદાલતમાં ટ્રાયલ કોર્ટનો હુકમ રદ કરવા માટે અપીલ દાખલ કરી હતી. જેની સુનાવણી હાથ ધરાતા અદાલતે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખી અરજદારની વાંધા અરજ રદ કરી હતી.
અરજદાર તરફે ધારાશાસ્ત્રી એસ.બી.રાણાએ દલીલો કરી હતી કે, ફરિયાદી જાદવભાઈ એલ. પ્રજાપતિ (રહે -શાંતિવન સોસાયટી, ન્યુ સમા રોડ ,વડોદરા) અને આરોપી વચ્ચે કોઈ ઓળખાણ ન હતી. તેથી અજાણ્યા વ્યક્તિ સાથે કોઈ નાણાકીય વ્યવહાર શક્ય નથી. આરોપીનો ચેક ફરિયાદી પાસે હોય તેનો દુરુપયોગ કરી ખોટી ફરિયાદ કરી હોય ટ્રાયલ કોર્ટના હુકમને રદ કરી નિર્દોષ ઠરાવી મુકવા અરજ ગુજારી છે. તો સામા પક્ષ તરફે ધારાશાસ્ત્રી નરેન્દ્ર જે. મિશ્રા તથા યુ.પી. ગુપ્તેએ દલીલો કરી હતી કે, આરોપીના પુત્ર જીગ્નેશએ ફરિયાદીને પ્લોટો તેમની માલિકીના હોવાનું જણાવી વેચાણ દસ્તાવેજ કરી આપી પાછળથી આરોપીના પુત્રએ છેતરપિંડી કર્યાની જાણ થતા અન્ય પ્લોટમાં ભરવાડોનો કબજો ખાલી કરવા માટે ફરિયાદી પાસેથી દોઢ લાખ લીધા હતા. ત્યારબાદ પ્લોટ નો કબજો ખાલી કરાવી ફરિયાદીના નામે દસ્તાવેજ કરી આપ્યો ન હતો. ત્યારબાદ ફરિયાદીએ ઉઘરાણી કરતા આરોપીએ વિવાદિત ચેક લખી આપ્યો હતો. આ કેસમાં ટ્રાયલ કોર્ટે આરોપીને દોષિત ઠરાવ્યો છે. તેમાં ફેરફાર કરવાનો કોઈ કેસ ન હોય આરોપીની હાલની અપીલ રદ કરવા અરજ છે. જ્યારે સરકાર તરફે એજીપી બી.એસ પુરોહિતએ દલીલો કરી હતી કે, આરોપીએ તેમની કાયદેસરની જવાબદારી પેટે ચેક આપ્યો હોવાનું અનુમાન થાય છે. આરોપી અનુમાનનું ખંડન કરવામાં નિષ્ફળ ગયા છે. ટ્રાયલ કોર્ટના હુકમમાં કોઈ ભૂલ જણાય આવતી ન હોય અરજદાર/ આરોપીની અપીલ રદ કરવી જોઈએ. બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ 12મા એડિ. સેશન્સ જજ અતુલકુમાર શ્રવણભાઈ પાટીલએ નોંધ્યું હતું કે, હાલના કેસની ચર્ચા કરવામાં આવે બચાવ પક્ષે તેમની દલીલોમાં દોઢ લાખ આપવાની ક્ષમતા નહીં હોવાનો બચાવ કર્યો છે. ટ્રાયલ કોર્ટનું સમગ્ર રેકોર્ડ ધ્યાને લેતા આરોપીનો વિવાદિત ચેક ફરિયાદીના કસ્ટડીમાં કેવી રીતે આવ્યો અને તેનો દુરુપયોગ થયો છે તેવી હકીકત બચાવ પક્ષ રેકોર્ડ ઉપર લાવી શક્યો નથી. જેથી ફરિયાદ પક્ષ લેણી રકમ સાબિત કરવામાં સફળ ગયેલ હોય બચાવ પક્ષ અનુમાનોનું ખંડન કરવામાં નિષ્ફળ ગયેલ હોય હાલની અરજી ના મંજૂર કરવામાં આવે છે. આમ, અદાલતે ફરિયાદીની તરફેણમાં ચુકાદો આપી ટ્રાયલ કોર્ટનો ચુકાદો માન્ય રાખી અરજદારની વાંધા અરજી રદ કરી હતી.