For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરા કોર્પોરેશન શહેરમાં ૨૦૦ ઇલેકટ્રિક બસ દોડાવશે

૧૨ વર્ષનો કોન્ટ્રાકટ થશે ઃ સરકાર કોર્પોરેશનને પ્રતિ કિલોમીટરે ૨૫ રૃપિયા સબસિડી આપશે

Updated: Jan 25th, 2023

Article Content Imageવડોદરા, નેશનલ ઇ-બસ પ્રોગ્રામ હેઠળ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં આગામી ૬ મહિનાથી ૧૮ મહિનાના સમયગાળા દરમિયાન નવી સિટિ બસ સુવિધા શરૃ કરવા જઇ રહ્યું છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે આ આમૂલ પરિવર્તન બની રહેશે, તેવી જાહેરાત મેયરે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની આજરોજ મળેલી સમગ્ર સભામાં તેમણે કરી હતી.

વડોદરા કોર્પોરેશન શહેરમાં ૨૦૦ ઇલેકટ્રિક બસ ચલાવશે, જેના કારણે હાલ જે ૧૨૦ થી ૧૪૦ સિટિ બસના રૃટ છે, તેમાં પણ વધારો થશે. નવા વિસ્તારો આવરી લેવાશે તેમજ શહેરની હદમાં જે ગામડાં જોડાયા છે ત્યાં સુધી બસ સુવિધા વિસ્તારવામાં આવશે. ઘર આંગણા સુધી બસ સુવિધા મળતાં લોકોનો સમય અને પેટ્રોલમાં બચાવ સાથે પ્રદૂષણ પણ ઓછું થશે કેમ કે ઇલેકેટ્રિક બસ હોવાથી કાર્બન એમિશન નહીં થાય.

આગામી દિવસમાં કેન્દ્ર સરકારના નીતિ આયોગ તેમજ રોડ ટ્રાન્સપોર્ટ  મંત્રાલય દ્વારા ગ્રોસ કોસ્ટ કોન્ટ્રેકટિંગ મોડલ મુજબ ૨૦૦ બસ ફાળવવા કાર્યવાહી હાથ ધરી છે. ડ્રાઇવરો અને બસોની વ્યવસ્થા, રખરખાવ, બસોનું ચાર્જિંગ વગેરે જેતે કંપની સંભાળશે, અને કિલોમીટર દીઠ નાણા ચૂકવાશે. ગુજરાત સરકાર વડોદરા કોર્પોરેશનને પ્રતિ કિલોમીટરે ૨૫ રૃપિયા સબસિડી ચૂકવવામાં આવશે. 

હાલ સિટિ બસ સુવિધામાં કોન્ટ્રાકટર ભાડું લે છે, પરંતુ નવી વ્યવસ્થામાં મુસાફરો પાસેથી કોર્પોરેશન ભાડું લેશે. નવી વ્યવસ્થા જ્યાં સુધી શરૃ ન થાય ત્યાં સુધી જૂની વ્યવસ્થા ચાલુ રહેશે. કોર્પોરેશન નવી બસ વ્યસ્થામાં પ્રતિ કિલોમીટરના ભાવ ચૂકવશે.

અગાઉ સરકારનું ટેન્ડર બહાર પડયું ત્યારે કોર્પોરેશને એપ્લાય કર્યું હતું  અને ૧૦ લાખ ચૂકવ્યા હતા. સરકાર દ્વારા તબક્કાવાર બસોની ફાળવણી કરવામાં આવશે.

હાલ કોર્પોરેશન પાસે નિઝામપુરા અને રેલવે સ્ટેશન એમ બે સ્થળે ડેપો છે. આ સિવાય બીજા બે નવા ડેપો બનશે. આ ચારેય સ્થળે બસો માટે ચાર્જિંગ પોઇન્ટ માટે નક્કી કરવામાં આવશે. આમ કુલ આઠ સ્થળ ચાર્જિંગ પોઇન્ટ રહેશે.

સિટિ બસ માટે નવો કોન્ટ્રેકટ ૧૨ વર્ષનો રહેશે.


Gujarat