વડોદરા કોર્પોરેશન હરણી સ્કલ્પચર પાર્ક 10 દિવસમાં ખૂલ્લો મૂકશે
અકોટાથી સ્કલ્પચર શિફ્ટ કરવાનું શરૃ કરાયું, આઝાદીના ૭૫ વર્ષ થતા ૭૫ સ્કલ્પચર મૂકાશે
વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશન હરણી તળાવ પાસે સ્કલ્પચર પાર્ક બનાવી રહ્યું છે અને ૧૦ દિવસમાં તેનું ઉદઘાટન કરવાનું હાલ વિચારાયું છે. હરણીમાં હાલ ૩૫ સ્કલ્પચર રખાયા છે.
હાલ અકોટા ખાતે છેલ્લા પાંચ વર્ષથી સ્ક્રેપમાંથી તૈયાર કરેલા ૧૫ જેટલા સ્કલ્પચર કટાઇ ગયેલી હાલતમાં પડી રહ્યા છે. જે ખસેડવાની કામગીરી આજથી ચાલુ કરાઇ છે. આજે પાંચસાત સ્કલ્પચર શિફ્ટ કરીને હરણી સ્કલ્પચર પાર્ક લઇ જવાયા છે. હજી બીજા શિફ્ટ કરાશે. આ ઉપારંત નવા ૨૮ બનાવાશે. આઝાદીના ૭૫ વર્ષ થતા સ્કલ્પચર પાર્કમાં ૭૫ સ્કલ્પચર મૂકવાનું આયોજન છે. તેમ સ્થાયી સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું.
વર્ષ ૨૦૧૭ માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ક્રેપ માંથી ૨૫ શિલ્પ કૃતિઓ બનાવવામાં આવી હતી. જેમાંથી કેટલીક શિલ્પ કૃતિઓ શહેરના મુખ્ય માર્ગ પર ટ્રાફિક સર્કલ પર મૂકવામાં આવી છે, જ્યારે અમુક શિલ્પ કૃતિઓ અકોટા સ્ટેડિયમ ખાતે પડી પડી કટાઇ ગઇ છે.
વડનગર તરીકે ઓળખાતા વડોદરામાં સ્કલ્પચર ની ઉણપ વર્તાતી હોવાથી શહેરના મુખ્ય માર્ગો પર જુદા જુદા કલાકારો દ્વારા વિવિધ કલાકૃતિઓ બનાવીને મૂકવાનું આયોજન જે તે સમયે વિચાર્યું હતું. વડનગરની સાથે સાથે વડોદરાની શિલ્પનગરી તરીકે ઓળખ ઊભી થાય તે માટે અકોટા સ્ટેડિયમ ખાતે વર્ષ ૨૦૧૭ માં સ્કલ્પચર કેમ્પનું આયોજન કરાયું હતું. વડોદરાના ૨૫ કલાકારોએ અટલાદરા ખાતેના સ્ક્રેપ યાર્ડ માંથી ૫૦,૦૦૦ કિલો સ્ક્રેપ નો ઉપયોગ કરીને ૨૫ શિલ્પ કૃતિઓ બનાવી હતી. અને આશરે ૨૪ લાખ ખર્ચ થયો હતો. જે નવા ૨૮ સ્કલ્પચર તૈયાર કરાશે, તે સ્ક્રેપમાંથી પણ તૈયાર કરાશે.