વડોદરા કોર્પોરેશને કારેલીબાગ સ્થિત કચરા કેન્દ્રનું સ્થળાંતર કરી નવાયાર્ડમાં શરૂ કરતાં હોબાળો
- કચરા કેન્દ્ર શરૂ કરાશે તો અધિકારીના ઘરે કચરો નાખીશુંની ચીમકી ઉચ્ચારતા કોંગી કોર્પોરેટરો
વડોદરા,તા.21 મે 2022,શનિવાર
વડોદરા શહેરના એલ એન્ડ ટી સર્કલ પાસે વિશ્વામિત્રી નદીના કિનારે વર્ષોથી ઉત્તર ઝોન વિસ્તારની કચરાની ડમ્પિંગ સાઈટ હતી તે બંધ કરી તેનું સ્થળાંતર નવાયાર્ડ ફૂલવાડી વિસ્તારમાં બ્રિજ નીચે આજથી શરૂ કરવામાં આવતા સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટરો એ હોબાળો કરી કચરો ઠાલવવાની કામગીરી બંધ કરાવી હતી.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં મુખ્ય વીઆઈપી રોડ ઉપર ફતેગંજને જોડતા બ્રિજ પાસે કોર્પોરેશનની વર્ષોથી કચરા ડમ્પિંગ સાઇટ શરૂ કરવામાં આવી હતી જ્યાંથી ઉત્તર ઝોન વિસ્તારનો કચરો એકઠો કરી મુજ મહુડા કે હવે વડસર ખાતે કચરો ઠાલવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
મુખ્ય રસ્તા ઉપર અને ખાસ કરીને જ્યાંથી VIP પસાર થતા હોય છે તે જગ્યા ઘર કચરા કેન્દ્રો હોવાને કારણે તેને હટાવવા માટે અનેકવાર સ્થાનિક રહીશોએ રજૂઆત કરી હતી પરંતુ અન્ય યોગ્ય જગ્યાએ નહીં મળતા આ કચરા કેન્દ્ર વર્ષોથી વિશ્વામિત્રી નદીના કિનારે જ રાખવામાં આવ્યું હતું.
તાજેતરમાં કોર્પોરેશન દ્વારા રાતોરાત કારેલીબાગ સ્થિત કચરા કેન્દ્રનું સ્થળાંતર નવાયાર્ડ ખાતે કરવામાં આવ્યું હતું.
ટીપી 13, ફુલવાડી વિસ્તારના તમામ લોકો ના વિરોધ સાથે કોર્પોરેટરો જહા ભરવાડ, પુષ્પા વાધેલા, હરીશ પટેલ સ્થાનીકોને સાથે રાખી વીરોધ નોધાવ્યો તમામ ગાડીઓ પાછી મોકલી આ કચરા કેન્દ્ર બંધ કરાવ્યું હતું અને ચીમકી આપી હતી કે જો આ કચરા કેન્દ્ર ફરી શરૂ કરવામાં આવશે તો અધિકારીના ઘરમાં જઈને કચરો ઠાલવવામાં આવશે.