વડોદરા: સમા સાવલી રોડ ઉપર વધુ એક ફ્લાય ઓવર બનાવવાના આયોજનથી મુસાફરો જોય રાઈડનો અનુભવ કરશે
વડોદરા,તા.20 જુલાઈ 2022,બુધવાર
સમા તળાવ પાસે ટ્રાફિકનું ભારણ ઘટાડવા વડોદરા કોર્પોરેશને 46.40 કરોડના ખર્ચે નવો ઓવરબ્રિજ બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. પરંતુ નજીકમાં જ વિશ્વામિત્રી નદી ઉપર બ્રિજ હોવા છતાં અમિતનગર થી દુમાડ તરફના બ્રિજનું આયોજન હાથ ધરાતા નજીકના જ અંતરમાં બે બ્રીજના પગલે વાહન ચાલકો જોય રાઈડનો અનુભવ કરશે તેમ જણાય છે.
વડોદરા શહેરમાં વસ્તી, વિસ્તાર અને વાહનોની સંખ્યા વધવા સાથે ટ્રાફિકનો પ્રશ્ન પણ ઉદભવ્યો છે. જેથી રાજ્ય સરકારે મહાનગરપાલિકામાં 54 અને નગરપાલિકામાં 21 મળી 75 ઓવરબ્રિજ બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. જે મુજબ વડોદરા શહેરમાં સાત જંકશનનો પૈકી સમા તળાવ પાસે નવો ફ્લાયઓવર બ્રિજ અંગેની ભલામણ હતી. એક્સપ્રેસવે તરફથી આવતા વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. વિશ્વામિત્રી નદી ઉપર બ્રિજ હોવાના કારણે સમાથી હરણી તરફ ઉત્તર પૂર્વ અને જોડતા નવા ટ્રાફિક લિંક તથા ટ્રાફિકના ભારણને ધ્યાનમાં લેતા વર્ષ 2025 સુધીમાં બ્રિજની કામગીરી પૂર્ણ કરી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા આયોજન હાથ ધર્યું છે. આ બ્રિજ પાછળ અંદાજે 46.40 કરોડનો ખર્ચ થશે. જે અંગેની મંજૂરી હેતુનું કામ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયું છે.