વડોદરા: તરસાલી ગુરૂ નાનક સ્કૂલને સીલ મારવા કોર્પોરેશને ફરી એકવાર નોટિસ ફટકારી
વડોદરા,તા.22 જુલાઈ 2022,શુક્રવાર
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી ગુરુનાનક સ્કૂલની જમીનનો વિવાદ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે. ત્યારે ફરી એકવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારવા અંગે નોટિસ જારી કરતા શાળા સંચાલકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
અમેરિકા રહેતા અને હાલ અમદાવાદના ભૂપેન્દ્ર પટેલના પરિવારની માલિકીની જમીન તેમના સગાભાઈ દિલીપ અંબારામ પટેલે ગુરૂનાનક દેવજીમિશન ટ્રસ્ટને વેચી દીધી હતી. જે અંગે બે વર્ષ અગાઉ ક્રાઇમ બ્રાન્ચમાં ભૂપેન્દ્ર પટેલે ફરિયાદ આપી હતી. જેમાં જણવાયું હતું કે, જસબિનદરસિંઘ,શેઢી, જગજીત સિંઘ કુલદીપ સિંઘ નોટરી પ્રવીણ સોલંકી, યશવંત પટેલ અને તેઓના ભાઈ દિલીપ પટેલે ભેગા મળી જમીન ખોટી રીતે પાવર ઓફ એટર્ની તૈયાર કરી બોંગસ સહીઓ કરી પડાવી લીધી છે. તેમાં ભૂપેન્દ્ર પટેલના પિતાનું વર્ષ ૨૦૧૨માં અવસાન થતાં તેના વેરા આવ્યા ત્યારે સમગ્ર હકીકત બહાર આવી હતી. આ જમીન પર ખોટી રીતે ઈન્સ્ટિટ્યૂટના નામે ગુરુનાનક પબ્લિક સ્કૂલ બાંધી ગેરકાયદે જમીનના ઉપયોંગ કરતા જિલ્લા કલેક્ટરને રજૂઆત થતા કોર્પોરેશને ગુરુનાનક દેવજી મિશન ટ્રસ્ટના સંચાલકોને સ્કૂલનો ઉપયોગ બંધ કરવા નોટિસ આપી હતી. જ્યારે ડી.ઇ.ઓએ સ્કૂલની પરવાનગી રદ કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બાંધકામ શાખા એ ફરી એકવાર ગુરૂનાનક દેવજી મીશન ટ્રસ્ટ તરસાલી રીંગ રોડ, શીલ્પ રેસીડેન્સીની બાજુમાં,તરસાલીને નોટિસ આપી જણાવ્યું છે. કે, જુર નકશા મુજબ ટેકનિકલ ઇન્સ્ટીટ્યુટ તરીકે વાપર ઉપયોગ કરવાની મંજુરી મેળવેલ હતી તથા હાલમાં ટ્રસ્ટ ધ્વારા સ્થળે પ્રાઇમરી સ્કુલ તથા સેકન્ડરી અને હાયર સ્કુલ (એજ્યુકેશન-1) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બાળકોના સલામતીને ધ્યાને લઇ તાત્કાલિક વાપર ઉપયોગ બંધ કરી વડોદરા કોર્પોરેશનના બાંધકામ પરવાનગી વિભાગને જાણ કરવી. અન્યથા આપને આગોતરી જાણ કર્યા વગર આ મિલકતને સીલ કરવામાં આવશે.