વડોદરા કોર્પોરેશનને જનરલ ટેક્સ બાદ ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી સૌથી વધુ આવક
- કન્સ્ટ્રકશન વધતા ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા બાંધકામ પરવાનગીઓ આપવાનું વધ્યું
- 190 કરોડ આવક થાય તેવી શક્યતા
વડોદરા, તા. 30 જાન્યુઆરી 2020, ગુરૂવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને સરકારમાંથી મળતી ઓક્ટ્રોય ગ્રાન્ટ અને જનરલ ટેક્સ એટલે કે સામાન્ય વેરાની આવક પછી ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી સૌથી વધુ આવક થઈ રહી છે અને આ વખતે આંકડો 190 કરોડે પહોંચે તેવી શક્યતા છે.
કોર્પોરેશનને ઓક્ટ્રોય ગ્રાન્ટની વાર્ષિક રૂપિયા 325 કરોડની ફાળવણી થાય છે અને મિલકત વેરો પ્રોફેશનલ ટેક્સ વિહિકલ ટેક્સ વગેરે કે. જે સામાન્ય કર કહેવાય છે તેની આશરે 484 કરોડ આવક વર્તમાન નાણાકીય વર્ષમાં થવાની છે જ્યારે ટાઉન પ્લાનિંગ વિભાગમાંથી બાંધકામ પરવાનગીના રૂપિયા 190 કરોડ મળશે તેવી સંભાવના છે.
નવેમ્બર સુધીમાં 148 કરોડની આવક તો થઈ ચૂકી છે. ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી અપાતી મકાન બાંધકામ પરવાનગીમાં એફએસઆઇ એમિનિટી ચાર્જિસ સ્ક્રુટીની રજા ચિઠ્ઠી વરસાદી ગટર વગેરેની અપાતી પરવાનગી બદલ જે ચાર્જ લેવામાં આવે છે. તે બધાનો આ આવકમાં સમાવેશ થાય છે.
શહેરમાં બાંધકામ પ્રવૃત્તિમાં અત્યારે વધારો જોવા મળ્યો છે અને નવા વિસ્તારોમાં બાંધકામ વધી રહ્યા છે. ડ્રાફ્ટ ટીપી સ્કીમો મંજૂર થાય છે. તેના કારણે પણ પરવાનગી વધતાં આવક વધી છે.
બે વર્ષ અગાઉ જ્યારે બાંધકામની પરવાનગી ઓછી અપાઈ હતી ત્યારે આ આવક બે વર્ષ સુધી રૂપિયા 48 કરોડ અને રૂપિયા 56 કરોડ થઈ હતી. વડોદરા કરતા અમદાવાદ અને સુરતમાં બાંધકામ પરવાનગીની આવક પાંચ ગણી વધુ થાય છે. કેમકે વડોદરા કરતા વિસ્તાર પણ વધુ છે અને વડોદરાની સરખામણીએ ડેવલોપમેન્ટ ફાસ્ટ થઈ રહ્યું છે.