ISIS ના મોડયુલ માટે વડોદરા ટાર્ગેટ, ઝાફર અલીને જંબુસરથી વડોદરા શિફ્ટ કોણે કર્યો
વડોદરા,તા.9 જાન્યુઆરી,2020,ગુરૃવાર
આઇએસઆઇએસ મોડયુલ માટે વડોદરા શહેર આતંકીઓના ટાર્ગેટ પર હોવાની આશંકાના પગલે ગુજરાત પોલીસ સતર્ક બની ગઇ છે.
ગોરવા વિસ્તારમાં પંચવટી સર્કલપાસે સ્લમ એરિયામાંથી ગઇરાતે પકડાયેલા આતંકી ઝાફરઅલી ઉર્ફે ઉમરને ગુજરાતમાં આઇએસઆઇએસનું ેનેટવર્ક ઉભું કરવાના આશય સાથે છુપાવવામાં આવ્યો હોવાની શક્યતા જોવાઇ રહી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,તામિલનાડુ અને દિલ્હીના આતંકી ગુનાઓમાં વોન્ટેડ ઝાફર અલી ઉર્ફે ઉમર ભરૃચ જિલ્લાના જંબુસર ખાતે છુપાયો હતો.દસ-બાર દિવસ પહેલાં જ તેને વડોદરા શિફ્ટ કરવામાં આવ્યો હતો.
આતંકીને વડોદરા શિફ્ટ કરવામાં ટ્રાન્સપોર્ટેશન અને મકાન અપાવવાની ભૂમિકા કોણે ભજવી, અહીં રોજિંદા ખર્ચ કોણ પુરૃં પાડનાર હતું..તેને કામ શું કરવાનું હતું..જેવા સવાલો તપાસનો વિષય બન્યા છે.
નોધનીય છે કે,અગાઉ અમદાવાદ અને સુરતમાં સિરિયલ બ્લાસ્ટના કાંડમાં પણ પકડાયેલા આતંકીઓના તાર વડોદરા સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું હતું અને આતંકી કાવત્રામાં ઉપયોગી બનેલા સ્થાનિક યુવકોની મદદ લેવામાં આવી હતી.વડોદરામાંથી અન્ય રાજ્યોમાં આસાનીથી જવા આવવાની સવલત હોવાથી (ટ્રાન્ઝિટ પોઇન્ટ)આતંકીઓ વડોદરાને ટાર્ગેટ કરી રહ્યા હોવાનું મનાય છે.
પાવાગઢના જંગલોમાં આતંકીનો ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો
અમદાવાદના સિરિયલ બ્લાસ્ટ પહેલાં વડોદરા નજીક પાવાગઢમાં આતંકીઓનો ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો.
પાવાગઢના જંગલોમાં યોજાયેલા આતંકી કેમ્પમાં સીમી સાથે જોડાયેલા આગેવાનો પણ આવ્યા હતા અને તેમણે ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લીધો હોવાની વિગતો પોલીસ તપાસમાં ખૂલી હતી.
આતંકી કેમ્પમાં ભાગ લેવા માટે વડોદરાના કેટલાક યુવકોને પણ ગુમરાહ કરવામાં આવ્યા હતા અને તેમને જંગલમાં પણ લઇ જવામાં આવ્યા હતા.આમ,આતંકી પ્રવૃત્તિ માટે વડોદરાની પસંદગી કરવામા આવી હતી.