વડોદરા: ઓમ ફાઇનાન્સ સંચાલક પિતા પુત્રના વ્યાજના ખપ્પરમાં વધુ એક વેપારી ફસાયો

Updated: Jan 25th, 2023


- 17.64 લાખની સામે 62.05 લાખ ચૂકવ્યા છતાં 14 લાખની પેનલ્ટી સાથે વધુ 19 લાખની ઉઘરાણી

વડોદરા,તા.25 જાન્યુઆરી 2023,બુધવાર

વડોદરા શહેરના ઓમ ફાઇનાન્સ સંચાલક પિતા પુત્રના વ્યાજના ખપ્પરમાં ફસાયેલ વધુ એક વેપારીએ ફરિયાદ નોંધાવી છે. શહેરના રાત્રી બજારના ખાણીપીણીના વેપારીએ પ્રણવ ત્રિવેદી પાસેથી ટુકડે ટુકડે 17.64 લાખની રકમ સામે 62.05 લાખની રકમ ચૂકવ્યા છતાં 14 લાખની પેનલ્ટી સાથે વધુ 19 લાખની બાકી રકમ કાઢી દુકાન પર તથા ઘરે ઘસી જઈ વેપારીને તથા પરિવારને ધમકી આપી પઠાણી ઉઘરાણી કરતા પ્રણવ ત્રિવેદી અને ગૌરાંગ મિસ્ત્રી સામે ફરિયાદ નોંધાવી છે.

શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા અને રાત્રી બજારમાં રાજસ્થાન ભેલ નામથી વેપાર કરતા દિનેશ શર્માએ ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2018 દરમિયાન દુકાનના ભાડા માટે નાણાંની જરૂરિયાત ઉદ્ભવતા કોઠી ચાર રસ્તા પાસે ઓમ ફાઇનાન્સના સંચાલક પ્રણવ રક્ષેશ ત્રિવેદી (રહે- એન્ટીકા ગ્રીનવુડ સોસાયટી, સેવાસી)નો સંપર્ક સાધ્યો હતો. અને 6.3 લાખની રકમ 3 ટકા વ્યાજે લીધી હતી. જેની સિક્યુરિટી પેટે કોરા ચેક આપ્યા હતા. જે રકમ મને રોકડેથી આપ્યા બાદ મારી પત્નીના ખાતામાં તેટલી જ રકમ આરટીજીએસ થી જમા કરાવી હતી. અને જણાવ્યું હતું કે, અમારો નિયમ છે કે, માંગણી મુજબની રકમ રોકડેથી આપ્યા બાદ તેટલી જ રકમ ગ્રાહકના ખાતામાં આરટીજીએસ કરીએ છીએ. આરટીજીએસની રકમ બે દિવસ બાદ મને પરત આપી જજો. જેથી બીજા દિવસે 6.3 લાખની રકમ પ્રણવભાઈને પરત આપી હતી. વર્ષ 2019 દરમિયાન ૩.૫૧ લાખ વધુ વ્યાજે લીધા હતા. અને તેટલી જ રકમ ફરી વખત મારી પત્નીના ખાતામાં આરટીજીએસ થકી જમા કરાવી હતી. જે રકમ પરત આપી દીધી હતી. ત્યારબાદ ૧૨ લાખ રૂપિયા લીધા છે તેનું વ્યાજ કોણ આપશે તેમ કહી અપશબ્દો બોલ્યા હતા. ઇનકાર કરવા છતાં ફરી વખત મારી પત્નીના ખાતામાં ૨.૦૭ લાખની રકમ આરટીજીએસથી જમા કરાવી હતી. આમ મને રૂપિયાની જરૂર ના હોય તો પણ પ્રણવ મારા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી પેનલ્ટી વસૂલતો હતો. અને રોકડેથી તથા ચેકથી મળી કુલ રૂ ૬૨.૦૫ લાખની રકમ ચૂકવી હોવા છતાં વધુ ૧૯ લાખની બાકી ઉઘરાણી કાઢી પ્રણવ તથા તેનો માણસ ગૌરાંગ મિસ્ત્રી ધમકી આપતા હતા કે ,પેનલ્ટીની 14 લાખની રકમ નહીં ચૂકવે તો વડોદરામાં ધંધો નહીં કરવા દઈએ જાનથી મારી નાખીશું. જેથી ટુકડે ટુકડે વધુ ૧૮ લાખ રૂપિયા પ્રણવને ચૂકવ્યા છતાં ઉઘરાણી ચાલુ રાખી હતી.


    Sports

    RECENT NEWS