Get The App

વડોદરા : આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીની સપાટીમાં ફરી વધારો

Updated: Jul 26th, 2022

GS TEAM


Google News
Google News
વડોદરા : આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીની સપાટીમાં ફરી વધારો 1 - image


- નદીની સપાટી એક રાતમાં ત્રણ ફૂટ વધી 

- નદીમાં હાલ 3,882 ક્યુસેક પાણીની આવક ચાલુ

- સપાટીમાં હજી વધારો નોંધાશે ,તંત્ર એલર્ટ બન્યું

વડોદરા,તા.26 જુલાઈ 2022,મંગળવાર

વડોદરાના ઐતિહાસિક આજવા સરોવરમાં છેલ્લા 24 કલાકમાં આશરે 2 ઇંચ અને તેના ઉપરવાસમાં પણ બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાતા આજવા સરોવરની સપાટી ચોમાસાની ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ એટલે કે 211.65 ફૂટ પર પહોંચી જતા વિશ્વામિત્રી નદીમાં આજવાના 62 દરવાજામાંથી 1430 ક્યુસેક અને આજુબાજુના નદીનાળા અને ફીડરો મળીને કુલ 3,882 ક્યુસેક પાણી વહેવાનું શરૂ થયું છે. બીજી બાજુ, વડોદરા શહેરમાં પણ વરસાદ પડતા વિશ્વામિત્રી નદીની સપાટી પણ એક જ રાતમાં ત્રણ ફૂટ જેટલી વધી ગઈ હતી. આજે સવારે 10:00 વાગે લેવલ ચાર ફૂટ વધીને 14 ફૂટે પહોંચી ગયું હતું. આજવા અને વિશ્વામિત્રીમાં સપાટી વધી રહી હોવાથી તંત્ર પણ એલર્ટ થયું છે. આજવા સરોવરથી પાણીની સતત  આવક હોવાથી વિશ્વામિત્રીની સપાટી હજી પણ ઉંચી જશે. રવિવારની રાત્રે આજવા અને ઉપરવાસમાં વરસાદ થતાં સરોવરની સપાટીમાં અગાઉ જે ઘટાડો શરૂ થયો હતો, તે ગઈકાલથી ફરી વધવાનો શરૂ થયો હતો. ગઈકાલે આખો દિવસ સપાટી 211.30 ફૂટ પર સ્થિર રહી હતી. જે આજે સવારે વધીને 211. 65 ફૂટે પહોંચી હતી. આજે સવારથી આજવા અને ઉપરવાસમાં વરસાદ બંધ છે. સરોવર વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 48 મીમી, પ્રતાપપુરામાં 50મીમી, ધનસર વાવમાં 78 મીમી અને હાલોલમાં 45 મીમી વરસાદ નોંધાયો છે .જેના લીધે આજવાની સપાટી વધી છે. હાલ પ્રતાપપુરા સરોવરનું લેવલ 223 ફૂટ છે. પ્રતાપપુરાનું ભય જનક લેવલ 229 ફૂટ છે. આજવા સરોવરમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ 743 મીમી વરસાદ થઈ ચૂક્યો છે. આ સરોવરમાં પાણી ઠાલવતી આસોજ ફીડર તેમજ જોડિયા અને ઉજેટી ફીડરમાંથી પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે , સરોવરના 62 દરવાજા 211 ફૂટે સ્થિર કરેલા છે, એટલે 211 ફૂટથી વધારાનું પાણી નદીમાં આવી રહ્યું છે.

Tags :