વડોદરા: નર્મદાભવન જનસેવા કેન્દ્રમાં એજન્ટ પોલીસના હાથે ઝડપાયો
વડોદરા,તા.21 જાન્યુઆરી 2023,શનિવાર
નર્મદાભવન જનસેવા કેન્દ્રમાં અરજદારો પાસેથી રેશનકાર્ડ અને આવકના દાખલાની કામગીરી માટે રૂપિયા પડાવતા હોવાની ફરિયાદના આધારે રાવપુરા પોલીસે એજન્ટની જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી હતી.
નર્મદા ભવન જનસેવા કેન્દ્રમાં કેટલાક વચેટિયા લોકો પાસેથી આવકના દાખલા , રેશનકાર્ડની કામગીરી માટે ઉચ્ચક રકમ નક્કી કરી કામગીરી કરતા હોવાની ફરિયાદ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી દશરથ ગામની મહિલાના દીકરાઓના રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે ફોર્મ ભરવાના રૂ. 200 નક્કી કરતા દીપક ગૌરીશંકર શ્રીમાળી (રહે -હરિઓમનગર, સોસાયટી દશરથ ગામ ) ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી મળી આવેલ અન્ય વ્યક્તિઓના રેશનકાર્ડ બાબતે પૂછતાછ કરતા પોતે રૂ.200 માં રેશનકાર્ડ અને આવકના દાખલાના ફોર્મ ભરી આપતો હોવાની કબુલાત કરી હતી. ઉપરોક્ત બનાવો સંદર્ભે ફરિયાદના આધારે રાવપુરા પોલીસે આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.