માતા-પિતાની રોકટોકથી ઘર છોડનાર એમ.પી.ની યુવતીનું પર્સ ખાલી થયું, મોબાઇલ ખોવાયો..વડોદરામાં બે દિવસ રઝળી
વડોદરા,તા.20 જાન્યુઆરી,2020,સોમવાર
માતા-પિતાની રોકટોકથી કંટાળીને ગૃહત્યાગ કરનાર મધ્યપ્રદેશની ૧૮ વર્ષીય યુવતી બે દિવસ વડોદરામાં રઝળી હતી અને આખરે સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપી દેવાઇ છે.
મોબાઇલ તેમજ બીજી નજીવી બાબાતોના કારણે માતા-પિતા વારંવાર ટોકતા હોવાથી મધ્યપ્રદેશના વિદિશા નજીકના નગરમાં રહેતી મધ્યમ વર્ગીય યુવતીએ ત્રણ દિવસ પહેલાં ઘર છોડયું હતું.આ યુવતી ટ્રેનમાં વડોદરા આવી ગઇ હતી.
યુવતી પાસે જેટલા રૃપિયા હતા તે વપરાઇ ગયા હતા.ભૂખ અને તરસના કારણે આકુળ વ્યાકુળ થઇ ગયેલી યુવતીનો મોબાઇલ પણ ગૂમ થઇ ગયો હતો.વડોદરા રેલવે સ્ટેશન પાછળના શિલાલેખ કોમ્પ્લેક્સ પાસે રઝળપાટ કરતી યુવતીને જોઇ આસપાસના દુકાનદારો તેમજ રહીશોને શંકા ગઇ હતી.
એક જાગૃત નાગરિકે અભયમને જાણ કરતાં અભયમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતુ.તેણે ઘર છોડયું હોવાની વિગતો જાણી અભયમની ટીમે વિદિશા પોલીસનો સંપર્ક કર્યો હતો.યુવતીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી હોવાથી એમપી પોલીસે પરિવારજનોને વડોદરા મોકલ્યા હતા.અભયમની ટીમે યુવતીને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપ્યો હતો અને પરિવારજનો આવતાં તેને સોંપી હતી.