વડોદરા : લગ્નના મુદ્દે માતા પિતા વચ્ચે ઝઘડો થતો હોવાથી ઘર છોડી ગયેલી યુવતી બનારસથી મળી
વડોદરા,તા.25 ઓગસ્ટ 2023,શુક્રવાર
દીકરીના લગ્નના મુદ્દે માતા પિતા વચ્ચે અવારનવાર કલેશ થતો હોવાથી કંટાળીને ઘર છોડી ગયેલી યુવતી નો પંદર દિવસે પતો લાગતા માતા-પિતાના જીવમાં જીવ આવ્યો છે.
સમા વિસ્તારમાં રહેતી 17 વર્ષની દીકરીના લગ્નના મુદ્દે માતા-પિતા વચ્ચે વારંવાર કંકાસ થતો હોવાથી કંટાળી ગયેલી યુવતી ઘર છોડીને ચાલી ગઈ હતી. જેથી ગભરાયેલા માતા પિતા તેને શોધી રહ્યા હતા અને પોલીસને પણ જાણ કરી હતી.
યુવતીનો કોઈ પત્તો નહીં લાગતા પોલીસ દ્વારા તેની બહેનપણીઓને વિશ્વાસમાં લઈ તપાસ કરવામાં આવતી હતી. જે દરમિયાન એક પરિચિત ઉપર યુવતીનો બનારસથી ફોન આવતા પોલીસે તેને વિશ્વાસમાં લઈ વાતચીત કરાવી હતી.
યુવતીને સમજાવટ બાદ વિશ્વાસમાં લઈને વડોદરા બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ સમા પોલીસે તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. જે દરમિયાન યુવતી વડોદરા છોડ્યા બાદ બનારસ ખાતે રહેતી તેની બહેનપણીને ત્યાં ચાલી ગઈ હોવાની વિગતો જાણવા મળી હતી. બેનપણીના પરિવારજનોને તેણે એક કામ માટે થોડો સમય રોકાવાની હોવાનું કહ્યું હતું.
જોકે વધુ દિવસ સુધી યુવતી રોકાતા બેનપણીના પરિવારજનોને પણ શંકા પડી હતી. બીજી તરફ યુવતી પાસે રૂપિયા નહીં હોવાથી તેણે વડોદરાના પરિચિત પાસે મદદ માગી હતી. જેથી વાત પોલીસ સુધી પહોંચતા પોલીસે યુવતીને સમજાવી વડોદરા બોલાવી લીધી હતી.