વિકાસનાં કામો માટે નડતર વૃક્ષોને કાપવાની મંજૂરી
રાજ્યના 33 જિલ્લામાં વડના 9.36 લાખ જેટલા વૃક્ષો છે, છેલ્લાં ત્રણ વર્ષમાં 169 વડ કાપી નાંખવાની મંજૂરી અપાઇ છે
ગાંધીનગર : રાષ્ટ્રીય વૃક્ષ વડની સંખ્યા વધે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે છતાં તેનું નિકંદન નિકળી રહ્યું છે. રાષ્ટ્રીય વૃક્ષ હોવાથી તેને કાપી શકાતું નથી પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 169 વડને કાપી નાંખવામાં આવ્યા છે.
વિધાનસભામાં વન મંત્રીએ આપેલી વિગતો પ્રમાણે રાષ્ટ્રીય અને સંરક્ષિત હોવા છતાં કેટલાક કારણોસર વડના વૃક્ષને કાપવાની ફરજ પડી છે. આ વૃક્ષોને સૌથી વધુ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં કાપવામાં આવ્યા છે.
મંત્રીએ જણાવ્યું હતું કે 2019-20માં 29, 2020-21માં 111 અને 2021-22ના વર્ષમાં 29 વડ કાપવામાં આવ્યા છે. આશ્ચર્યની બાબત એવી છે કે છેલ્લા વર્ષમાં ગાંધીનગરમાં એકસાથે 21 વડ કાપવામાં આવ્યા છે. આ વૃક્ષને કાપવાના કારણો આપતાં જણાવાયું છે કે રોડ વાઇડનિંગની કામગીરીમાં કેટલાક વડ નડતરરૂપ હોવાથી તેને કાપવાની મંજૂરી આપવામાં આવી છે.
રાજ્ય સરકાર એક તરફ રાજ્યભરમાં વડના વૃક્ષના જતન માટે કામગીરી કરી નવા રોપા વાવે છે ત્યારે બીજી તરફ વિકાસના નામે તેને કાપવાનું કામ પણ કરે છે. રાજ્યમાં કેટલા વડ છે તેવા એક પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે હાલની સ્થિતિએ રાજ્યના 33 જિલ્લામાં વડની સંખ્યા 936979 છે જે પૈકી સૌથી વધુ 121347 વડ ભાવનગર અને 111056 વડ જૂનાગઢમાં આવેલા છે.
અમદાવાદમાં વડની સંખ્યા 14970 અને ગાંધીનગરમાં 5877 છે. આ એક એવું વૃક્ષ છે કે જે રાજ્યના તમામ જિલ્લામાં જોવા મળે છે. રણથી ભરચક કચ્છ જિલ્લામાં 54816 વડ આવેલા છે. જો કે વડનો છેલ્લો સર્વે 2017માં થયો હતો, ત્યારપછી સરકાર પાસે આંકડો નથી.


