આજથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ
રાજપીપળા નજીક રામપુરાથી પ્રારંભ થાય છે, પૂર્ણ પરિક્રમા નથી કરી શકતા તે લોકો ૧૬ કિ.મી.ની ઉત્તરવાહિની પરિક્રમા કરે છેે
વડોદરા,તા.05 એપ્રિલ 2019, શુક્રવાર
ચૈત્રી સુદ એકમથી પાવન સલિલા મા નર્મદાજીની 'ઉત્તરવાહિની પરિક્રમા'નો પણ પ્રારંભ થાય છે. વડોદરાથી ૭૫ કિ.મી. દૂર આવેલા રાજપીપળા નજીક આવેલા રામપુરા ગામથી
'ઉત્તરવાહિની' પરિક્રમાનો પ્રારંભ થાય છે અને રામપુરા તરફના નર્મદા કાંઠે ૮ કિ.મી.નો પગપાળા પ્રવાસ કર્યા બાદ યાત્રીઓ હોળીમાં બેસીને સામે કાંઠે જાય છે અને સામે કિનારે પરત ૮
કિ.મી.નો પગપાળા પ્રવાસ કરે છે અને હોળીમાં સામે કિનારે રામપુરા પહોંચે છે જ્યા ૧૬ કિ.મી.ની યાત્રાની પૂર્ણાહૂતી થાય છે. આ યાત્રાને પૂર્ણ કરતા પાંચ થી છ કલાક લાગે છે
આમ એક જ દિવસમાં 'ઉત્તરવાહિની પરિક્રમા' પૂર્ણ કરી શકાય છે. આ પરિક્રમાં વર્ષમાં ચૈત્ર માસના ૩૦ દિવસ દરમિયાન જ થાય છે.
'ઉત્તરવાહિની પરિક્રમા' એટલા માટે કહેવામાં આવે છે કે નર્મદાજી માત્ર આ વિસ્તારમાં જ ઉત્તર તરફ વહે છે. હિંદુ શાસ્ત્ર મુજબ ઉત્તર દિશા મોક્ષની દિશા માટે નર્મદાજીની ઉત્તરવાહિની
પરિક્રમા મોક્ષ પ્રદાન કરનારી છે. જે લોકો પૂર્ણ પરિક્રમા નથી કરી શકતા તે લોકો 'ઉત્તરવાહિની પરિક્રમા' કરીને પૂણ્યની પ્રાપ્તી કરી શકે છે. માત્ર ગુજરાતમાંથી જ નહી પરંતુ મહારાષ્ટ્ર,
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ચૈત્ર માસ દરમિયાન અહી આવે છે.