બીલ ભરવા, ફરિયાદ કરવા ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરોઃ MGVCL
વડોદરા,તા.21.માર્ચ,શનિવાર,2020
કોરોનાના વધતા જતા વ્યાપને લઈને હવે મધ્ય ગુજરાત વીજ કંપનીઓ સહિતની સરકારી કંપનીઓએ પણ કર્મચારીઓ અને ગ્રાહકો માટે ગાઈડ લાઈન જાહેર કરી છે.
જે પ્રમાણે ગ્રાહકોને કોઈ પણ ફરિયાદ માટે વીજ વિતરણ કંપનીની કચેરીએ રુબરુ મુલાકાત લેવાની જગ્યાએ ફરિયાદ ઈ-મેઈલ, મોબાઈલ કે ટેલિફોન દ્વારા નોંધાવવા માટે અપીલ કરવામાં આવી છે.આ ઉપરાંત ગ્રાહકોને વીજ બીલ ભરવા માટે પણ ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે મેસેજ મોકલવામાં આવી રહ્યા છે.
બીજી તરફ કર્મચારી સંગઠન ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળે કર્મચારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને જો વીજ લાઈનના સમારકામ સિવાયની કામગીરી બંધ કરવામાં ના આવે તો આજે હડતાળ પર ઉતરવાની ચીમકી પણ આપી હતી.
એ પછી કર્મચારીઓ માટે પણ ગાઈડલાઈન જાહેર કરીને ૩૧ માર્ચ સુધી ઈન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવ, વીજ જોડાણ ચેકિંગ અને માસ મેન્ટેનન્સ ડ્રાઈવ ૩૧ માર્ચ સુધી મોકુફ રાખવા માટે સૂચના અપાઈ છે.લાઈન સ્ટાફ અને ઓફિસ બહાર કામગીરી કરવા જતા અન્ય કર્મચારીઓને માસ્ક આપવામાં આવશે. એપ્રેન્ટિસ તરીકે આવતા તાલીમાર્થીઓને પણ ૩૧ માર્ચ સુધી રજા આપવાની જાહેરાત કરાઈ છે.
જ્યારે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને પણ માસ્ક પૂરા પાડીને તેમના સ્વાસ્થ્યનો રેકોર્ડ રાખવામાં આવશે.