નિકોલ ગામે ધૂળેટીએ વેશભુષાનો અનોખો મેળો યોજાયો, માનવ મહેરામણ ઉમટયું
- ગામમાં દરેક ઘરમાંથી એક સભ્ય વેશભુષા ધારણ કરે છે
- વર્ષો જુની પરંપરા આજે પણ ગ્રામજનોએ જાળવી રાખી છે, આખી રાત ભવાઇ યોજાય છે
અમદાવાદ,તા.19 માર્ચ 2022, શનિવાર
નિકોલ ગામમાં ધૂળેટીના દિવસે વેશભુષાનો અનોખો કર્યક્રમ યોજાયો હતો. જેમાં ગામના દરેક ઘરમાંથી એક સભ્યએ મનગમતી વેશભુષા ધારણ કરી હતી. વેશભુષાના આ મહામેળામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. ૫૦૦ વર્ષથી ધૂળેટીના દિવસે ભરાતા સાંસ્કૃતિક , ભાતિગળ મેળામાં વેશભુષા ધારણ કરીને ગામથી ખોડિયાર માતાજીના મંદિર સુધી લાંબી લાઇનો લાગે છે.
ગઇકાલે શુક્રવારે નિકોલ ગામ માનવમહેરામણ, લોકસંસ્કૃતિની ઝાંખી, વિવિધ સમાજના પહેરવેશ, ધાર્મિક પાત્રો, પરંપરાગત પરિધાન, ઝવેરાત સહિતના આકર્ષણોથી ઝગમગી ઉઠયું હતું. વર્ષોથી ધૂળેટીના દિવસે બપોર પછી ગામમાં લોકો વેશભુષા ધારણ કરીને આઇ શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરીને આશિર્વાદ લે છે.
આ અંગે ખોડિયાર મંદિર ટ્રસ્ટના પ્રમુખ વિનોદભાઇ ચાવડાના જણાવ્યા મુજબ ગામના દરેક ઘરમાંથી એક સભ્ય વેશભુષા ધારણ કરીને મેળામાં ભાગ અચુક લે છે. વણઝારાની વેશભુષા, રામ-સીત, કૃષ્ણ-રાધા, માતાજીના પાત્રો ધારણ કરીને આકર્ષણ જમાવે છે. ગામમાં આ દિવસે ઉત્સવનો માહોલ હોય છે. ગામની બહાર રહેતા હોય તે લોકો પણ આ દિવસે ગામમાં આવી જાય છે. બહેન-દીકરી પણ ગામમાં આવીને આ મેળામાં રસપૂર્વક ભાગ લે છે.
ધૂળેટીની આખી રાત ભવાઇનો કાર્યક્રમ પણ યોજાય છે. નિકોલની વેશભુષાનો મેળો પ્રખ્યાત છે. આજુબાજુના વિસ્તાર અને જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આ મેળો જોવા માટે આવતા હોય છે.