સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત જ મહેકમની દ્રષ્ટીએ 'અનફીટ'
- 'જીતશે ગુજરાત' સુત્ર સાકાર કરવા ૪૧ કોચની જગ્યા ખાલી
- ડાયરેક્ટર જનરલ ઉપરાંત ૨૦૦ ડિસ્ટ્રીક્ટ કોચની જગ્યામાંથી ૫૯ હજુ ભરાઇ નથીઃકુલ ૩૯૪ પૈકી ૧૬૭ જગ્યા ખાલી
ગાંધીનગર: છેલ્લા ઘણા વખતથી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની સ્થાપના કરવામાં આવી છે જેની મુખ્ય કચેરી ગાંધીનગરમાં આવેલી છે ત્યારે આ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત જ મહેકમની દ્રષ્ટીએ અનફીટ હોય તેમ લાગી રહ્યું છે. ડાયરેક્ટર જનરલની જગ્યા ઘણા વખતથી ખાલી છે તો બીજીબાજુ મુખ્યકોચ, સિનિયર કોચ અને ડિસ્ટ્રીક્ટ કોચની કુલ ૨૫૬ જગ્યામાંથી ૧૦૫ જગ્યાઓ ખાલી છે જેમાં મુખ્યકોચની તો તમામ પાંચ જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત કારકુનનું કુલ ૬૧નું મહેકમ છે જે પૈકી ૫૪ જગ્યા ખાલી છે.
રાજ્ય સરકાર દ્વારા રમશે ગુજરાત..જીતશે ગુજરાત..જેવા સુત્ર
સારા બનાવવામાં આવે છે પરંતુ તેને સાકાર કરવા માટે પુરતા સ્ટાફ સહિતની જે વ્યવસ્થા
હોવી જોઇએ તેનો અભાવ શાળાકક્ષાએથી લઇને રાજ્યકક્ષા સુધી જોવા અને અનુભવવા મળી
રહ્યો છે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતમાં સ્ટાફની ઘટ અને આઉટસોર્સીંગથી લેવાયેલા
કર્મચારીઓ અંગે તાજેતરમાં વિધાનસભામાં દિયોદરના ધારાસભ્યએ પ્રશ્ન કર્યો હતો જેના
જવાબમાં રમતગમત, યુવા અને
સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રીએ સ્વિકાર્યું હતું કે, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતમાં કુલ ૩૯૪ જેટલો સ્ટાફનું
મહેકમ છે જેની સામે ૨૨૬ જગ્યાઓ ભરેલી છે જ્યારે ૧૬૮ જગ્યાઓ ખાલી છે. જેમાં મહત્વની
ડાયરેક્ટરની મંજુર એક જગ્યા જ ઘણા સમયથી ખાલી છે.
આ ઉપરાંત ખાસ ફરજ પરના અધિકારીની બે પૈકી એક તથા હિસાબી અને
વહીવટી અધિકારી ઓથોરીટીમાં છે જ નહીં. એટલુ જ નહીં, મુખ્ય કોચની પાંચ જગ્યાઓ મંજુર છે જેમાંથી એક પણ કોચ
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતને મળતા નથી. તો સામે સીનીયર કોચની ૫૧ પૈકી ૧૦ જગ્યાઓ જ
ભરેલી છે અને ૪૧ મહત્વની જગ્યાઓ પર સિનિયર કોચ છે જ નહીં. આવી જ રીતે ડિસ્ટ્રીક્ટ
કોચની ૨૦૦ જગ્યાઓ છે જેમાંથી ૫૯ કોચની અછત છે જેની સીધી અસર જિલ્લાના ખેલાડીઓ ઉપર
જોવા મળી રહી છે. આ ઉપરાંત કારકુન પણ મંજુર મહેકમ કરતા ખુબ જ ઓછા છે જેના કારણે
અત્યારે જે ક્લાર્ક ફરજ ઉપર છે તેમના ઉપર કામગીરીનું ભારણ વધી ગયું છે.
હેડક્લાર્કની તમામ ત્રણ જગ્યા,
ક્લાર્કની ૪૯ પૈકી ૪૪ જગ્યા તથા સીનીયર ક્લાર્કની ૯ પૈકી સાત જગ્યાઓ ભરાયેલી
નથી. તો બીજીબાજુ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતમાં પણ અન્ય વિભાગોની જેમ
ઓઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. કુલ ૪૩ જગ્યાઓ આઉટસોર્સીંગથી
ભરવામાં આવી છે. આમજોવા જઇએ તો સ્પોર્સ ઓથોરીટી ઓફ ગુજરાત જ મહેકમની દ્રષ્ટીએ
અનફીટ છે.