Get The App

વનબંધુ કલ્યાણ યોજના હેઠળ રૂ. 90 હજાર કરોડ આદિવાસી સમાજના કલ્યાણ માટે વપરાયા

- દાહોદ ખાતે વિશ્વ આદિવાસી દિનની રાજ્ય કક્ષાની ઉજવણી :સ્માર્ટ સિટી મિશન હેઠળ દાહોદ નગરમાં પાણી અને ગટરને લગતા રૂ. 282.66 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

Updated: Aug 9th, 2019

GS TEAM

Google News
Google News
વનબંધુ કલ્યાણ યોજના હેઠળ રૂ. 90 હજાર કરોડ આદિવાસી સમાજના કલ્યાણ માટે વપરાયા 1 - image


ગાંધીનગર, તા. 9 ઑગસ્ટ 2019, શુક્રવાર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી વિસ્તારના 14 જિલ્લાના 53 તાલુકાઓના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમણે આદિવાસી વિસ્તારમાં સૈનિક શાળાઓ શરૂ કરવાનું આયોજન રાજ્ય સરકારનું હોવાનું પણ જણાવ્યું છે. 

વિશ્વ આદિવાસી દિનની દાહોદ ખાતે રાજ્ય કક્ષાની ઉજવણીમાં સહભાગી બનેલા મુખ્યમંત્રીએ આદિજાતિના નાગરિકોને આરોગ્ય, અદ્યતન શિક્ષણ, પાણી, રસ્તા સહિતની ભૌતિક સુવિધાઓ અને વિકાસ કામો માટે રાજ્ય સરકારે બજેટમાં આદિજાતિ વિકાસ કામો માટે રૂ.2481 કરોડ ફાળવ્યા છે એમ તેમણે ઉમેર્યુ હતું. 

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વનબંધુ કલ્યાણ યોજનાનો પ્રારંભ કર્યો હતો. આ યોજના તહત રાજ્યના આદિવાસી સમાજને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ રૂ.90 હજાર કરોડ આદિવાસી સમાજના કલ્યાણ માટે વાપરવામાં આવ્યા છે. 

રૂપાણીએ કહ્યું કે, બીરસા મુંડાએ અંગ્રેજોને ધૂળ ચાટતા કરી દીધા હતા. ગુજરાતમાં માનગઢ ખાતે શ્રી ગોવિંદ ગુરૂએ અંગ્રેજો સામે લડાઇ કરતી હતી અને આ જંગમાં 1500 આદિવાસીઓ શહીદ થયા હતા. આવા અનેક શૂરવીરોએ ભારત ભોમકાનું રક્ષણ કર્યું છે. આદિવાસી સમાજ હંમેશા દેશની પડખે ઉભો રહ્યો છે. 

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગૌણ વનપેદાશ, ખનીજના અધિકારો આદિવાસી સમાજને રાજ્ય સરકાર દ્વારા પેસા એક્ટ હેઠળ આપવામાં આવ્યા છે. વર્ષોથી પેસા એક્ટના અમલની વાતો થતી હતી, પણ આ સરકારે તેનો તુરંત જ અમલ કર્યો છે. હવે, આદિવાસી સમાજ પણ સૌનો સાથ અને સૌના વિકાસ મંત્રને ફળીભૂત કરવા લાગી ગયો છે. 

વનમંત્રી ગણપતસિંહ વસાવાએ કહ્યું કે, રાજ્ય સરકારના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ સરકારે આદિવાસીઓની વિશેષ દરકાર લીધી છે. આદિવાસી પટ્ટાના 14 જિલ્લાના 53 તાલુકાના 4000 કરતા વધુ ગામોમાં વસતા આદિવાસીઓએ વિકાસના ફળ ચાખ્યા છે.

તેમણે કહ્યું કે, પેસા એક્ટના કારણે 13 લાખ એકર કરતા વધુ જમીન આદિવાસી સમાજને મળી છે. આ જ સરકાર આવો ત્વરિત નિર્ણય કરી શકે. 

મુખ્યમંત્રી જ્યારે સભા ગૃહમાં પ્રવેશ્યા ત્યારે તેમણે આદિવાસી દેવીદેવતાઓને વંદન કર્યા હતા. બાદમાં આદિવાસી સમાજ દ્વારા કંદોરો, ભોરિયું, બંડી, તીરકામઠું આપી તથા પરંપરાગત પાઘડી પહેરાવી તેમનું સ્વાગત સન્માન કર્યું હતું. 

મુખ્યમંત્રી રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્માર્ટ સિટી મિશન હેઠળ દાહોદ નગરમાં પાણી અને ગટર માટેના રૂ.282.66 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે લાભાર્થીઓને સહાય ચેકનું વિતરણ પણ કર્યું હતું. સાથે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતમાં સફળતા પ્રાપ્ત કરનાર આદિવાસી સમાજના કુ. સરિતા ગાયકવાડ સહિતના આઠ ખેલાડીઓનું બહુમાન પણ કર્યું હતું. 

મુખ્યમંત્રીએ નિશાન ઇ-એકલવ્ય મોબાઇલ એપ્લિકેશન અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પ્રકાશિત યોજનાઓને લગતી પુસ્તિકાનું લોન્ચિંગ કર્યું હતું 

વિશ્વ આદિવાસી દિનની આ ઉજવણીમાં મુખ્ય સચિવ જે. એન. સિંહ હાજર રહ્યા હતા

Tags :